ખમ્મા ….ખમ્મા ….. – સંજુ વાળા
અણોસરી આંખોએ ભાળ્યાં જોણાં ગાંડાતૂર : આંખને ખમ્મા ખમ્મા!
જોણું મતલબ કલહંસોની પાંખો મતલબ પૂર : પાંખને ખમ્મા ખમ્મા!
વિના કારણે ચગડોળાતું ચિત બની ઘેઘૂર : ચિતને ખમ્મા ખમ્મા!
એ ઘેઘૂરના ટેકે ઘરની ભીંતો થઈ ચકચૂર : ભીંતને ખમ્મા ખમ્મા!
આમ બધુંયે ભર્યુંભાદર્યું આમ પહોંચથી દૂર : પહોંચને ખમ્મા ખમ્મા!
સૂમ તળેટી, શૂનશિખરની ટોચે વાગે તૂર : ટોચને ખમ્મા ખમ્મા!
હા પાડો તો ‘હું ને મારું’ ચરણ ધરું હજૂર : હા-ને ખમ્મા ખમ્મા!
ના કહેશો તો નામને શરણે, પૂંછયા વિણ કસૂર : ના-ને ખમ્મા ખમ્મા!
પથરિલું એક પુર કે જેમાં પરપોટા મશહૂર : પુરને ખમ્મા ખમ્મા!
પુરજનોને શાપ : તમારો કદી ન મળજો સૂર : સૂરને ખમ્મા ખમ્મા!
માણસ નામે જણસ જીવતી, જાસાથી ભરપૂર : નામને ખમ્મા ખમ્મા!
એક તાંબિયે તેર, એકના દામ નહીં મંજૂર : દામને ખમ્મા ખમ્મા!
ફોગટ તું પણ ફરે ફુદરડી નહીં એમાં કોઈ નૂર : નહીંને ખમ્મા ખમ્મા!
સજાગ થઈને કહે સ્વયંને સહી વખતે જ સબૂર : સહીને ખમ્મા ખમ્મા!
– સંજુ વાળા
પાત્ર વિશાળ હોય તો એમાં સાગર પણ સમાવી શકાય, પણ તંગ દામનમાં તો કેટલું સમાવી શકાય! આંખોનું કામ જોવાનું છે, પણ જે આંખોના તેજ ઓસરી ગયાં છે, જે આંખો ઉદાસ થઈ ગઈ છે, ઓશિયાળી બની ગઈ છે, એ આંખોને ગાંડાતૂર જોણાં જોવાનાં થાય તો? આવી જ કેટલીક પળોનું આ હંસગાન છે. સામાન્યજનને સવાલ થાય કે આવાં ગાંડાતૂર દૃશ્યો શેનાં હશે, પણ કવિનો કેમેરા આપણને એ બતાવવા ઇચ્છતો નથી. કવિને દૃશ્યમાં નહીં, એના અર્થમાં રસ છે. થાકીહારી આંખોને અભરે ભરી દેતાં દૃશ્ય મતલબ રાજહંસોની પાંખો અને આ પાંખો મતલબ પૂર… એકમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં દડી જતાં કલ્પનોની રચનારીતિ નયન દેસાઈની ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે’ની યાદ પણ અપાવે. કવિતાઆ સ્થળે અર્થનો ઉંબરો વળોટી ભાવાનુભૂતિના મકાનમાં પ્રવેશે છે. આખી રચનામાં ‘ખમ્મા ખમ્મા’ની લઢણ ધ્રુવપદ બનીને રણકતી રહે છે. પરિણામે લોકગીતનો હિલ્લોળ પણ અનુભવાય છે. સરવાળે, આધુનિક માનવીના ભીતરી કોલાહલો, આશાઓ અને વિષમ વાસ્તવિક્તા વચ્ચેના સંઘર્ષનો આ દસ્તાવેજ છે. લોકબોલી અને પ્રશિષ્ટ ગુજરાતી –ઉભયના સામંજસ્યથી એક નવી જ તરાહ અહીં સર્જાય છે.

