કવિતા વિશેની કવિતાઓ: ૦૭ : સિસૃક્ષા – વિનોદ જોશી
(માલિની)
નખ સતત વલૂરે જીર્ણ કંગાળ ભાષા,
પચક ખરજવામાં ખદબદે કારયિત્રી;
ચવડ હવડ સ્વપ્નો લેખિનીથી ઝળુંબી,
શરમ વગર કોરા કાગળે શાહી થૂંકે.
તરત બટકતી બુઠ્ઠી બધી કલ્પનાઓ,
અધવચ હડફેટે આવતી એકધારી;
સ્ખલન જનિત શબ્દો ચીકણો સ્રાવ સૂંઘી,
લપ લપ જીભડીથી ગોબરા અર્થ ચાટે.
કરવટ લઈ કૂડી વ્યંજના થાય બેઠી,
પલકભર ધુણાવે સામટાં ગાત્ર રાંટાં;
ભરભરભર ભૂક્કો થાય આયાસપૂર્ણ,
ઠરડ મરડ ખાંગા ખોંચરા અક્ષરોનો.
શિથિલ પણછ તીણાં તીર તાકી શકે ના,
મિથુનવિવશ ક્રૌંચી ચીસ પાડી શકે ના!
– વિનોદ જોશી
‘કવિતા વિશેની કવિતાઓ’ શ્રેણીમાં આજે આ સાતમો અને અંતિમ મણકો…
વર્ડ્ઝવર્થે કહ્યું હતું: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity’. (કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.) પણ ઘણા કવિઓ જબરદસ્તી કવિતા કરે છે. વસંતપંચમી આવી? કવિતા લખો. હોળી આવી? કવિતા કરો. ફાધર્સ ડે? મધર્સ ડે? ડોટર્સ ડે? ઉઠાવો કાગળ-કલમ. ભૂકંપ આવ્યો? રેલ આવી? બળાત્કાર થયો? આપો હૃદયને વાચા… પ્રસ્તુત રચના આવી કૃતક સર્જનપ્રવૃત્તિનો ઉધડો લે છે. સિસૃક્ષા એટલે સર્જન કરવાની ઇચ્છા. પણ આ કવિતા આયાસી સર્જનેચ્છાની ખાલ ઉતરડે છે. એટલે કવિએ સહેતુક ભાષા પણ એવી જ પ્રયોજી છે, જે વાંચતા કોઈપણ પ્રશિષ્ટ વાચકને ચીતરી ચડે. કવિતા જેનાથી કિનારો કરી, બાર ગાઉનું છેટું રાખી, નાક ઢાંકીને ચાલે એ જ ભાષાને સમર્થ સર્જક એ જ કવિતાને સિદ્ધ કરવા માટે કેવી ખપમાં લઈ શકે એ સમજી શકાય તો કવિતા વહાલી લાગશે.
સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલ ઓછી કારયિત્રી પ્રતિભાવાળા સર્જકો જીર્ણ કંગાળ ભાષા, ચવડ હવડ સ્વપ્નો, દકિયાનૂસી કલ્પનાઓ, અને શબ્દોના વીર્યપાતથી આગળ વધી શકતા નથી. જેમનાં કામઠાંમાં જ ભલીવાર નથી એ ધાર્યું તીર શી રીતે મારી શકે? જે હૃદય ક્રૌંચવધની વેદના સહિયારી શકે એ જ રામાયણ રચી શકે… બાકીનાં પારાયણ માંડે…
(કારયિત્રી= સર્જન કરે તેવી (પ્રતિભા); રાંટું= વાંકુંચૂકું)

