શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
અનિલ ચાવડા

(કે તમે હતા?) – એસ. એસ. રાહી

પહેલાં અહીં દીવાલ હતી કે તમે હતા?
કપરા સમયની ચાલ હતી કે તમે હતા?

આવે છે હજી યાદ શિશિરની એ રમ્ય રાત,
એ યાદની કમાલ હતી કે તમે હતા?

આઘાત છે હજીય કે તમને ન ઓળખ્યા,
શું આંખમાં કરાલ હતી કે તમે હતા?

એ ગઢ, ઝરૂખો, કાંગરા ખંડેર ઝળહળે,
ભીતર કોઈ મશાલ હતી કે તમે હતા?

રેલાતો હતો રૂપનો વૈભવ દશે દિશા,
દૃષ્ટિ સ્વયમ્ ગુલાલ હતી કે તમે હતા?

– એસ. એસ. રાહી

વિરામચિહ્નો તરફ સાશંક નજરે નીરખી ઉદાસીનતા સેવતા કવિઓએ આ ગઝલ તરફ જોવું રહ્યું. આખી ગઝલ એક પ્રશ્નાર્થચિહ્નના ટેકે ઊભી છે. એ હટાવી લેવાય તો કદાચિત ગઝલ કડડડભૂસ થઈ જાય. ભૂતકાળની અલગ-અલગ બીનાઓ અને અનુભૂતિઓ વિશે સર્જક શંકા સેવે છે. વિગત સમયની એ અનુભૂતિઓ સાચે જ નિરાવલંબી હતી કે જીવનમાં તાણાવાણા પેઠે વણાઈ ગયેલ કોઈક ઈસમને આભારી હતી એ શંકાનો દીવો આ ગઝલને અજવાળે છે. આજે તો આ જગ્યાએ દીવાલ નથી… કોઈ અંતરાય નથી… જ્યાં જવું હોય અને જેમ જવું હોય એમ નિર્વિઘ્ને જઈ શકાય છે, પણ એક સમયે આ સંભવ નહોતું. પગે કોઈક પ્રકારની બેડી હતી. આ બેડી, આ દીવાલ સાચેસાચ હતાં કે પ્રિયપાત્ર સ્વયં વ્યવધાન હતા? સમય ખુદ કપરો હતો કે સ્નેહપાશના કારણે એ કપરો અનુભવાયો હતો એ દ્વિધા જીવનનો એ તબક્કો પસાર થઈ ગયા બાદ કવિને વિચારમાં-વિમાસણમાં મૂકી દે છે… આમેય જળ ડહોળાયેલ હોય ત્યારે તળિયું તાગી શકાતું નથી હોતું. જળ સ્થિર થાય ત્યારે જ એ શક્ય બને છે. જીવનજળ સ્થિર થયા પછી કવિમનને વીતી ગયેલ દિવસોના તળિયાને તાગતા જે સવાલોના કાંકરા નજરે ચડે છે એની અનુભૂતિની આ ગઝલ છે… દરેક શેર આરામથી ખોલવા જેવા..

2 Comments »

  1. Harihar Shukla said,

    November 29, 2026 @ 12:25 PM

    બધા શેર બહુ સરસ👌
    પ્રશ્નાર્થ ચિન્હ વાળી ગઝલ ખરી પણ કવિ એકેય જવાબ કદાચ નથી ઇચ્છતા, કદાચ એમને જાણ જ છે.

  2. Vrajesh mistri said,

    November 29, 2026 @ 2:24 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment