દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને – દયારામ

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને;
શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને.

તું જંગલકાષ્ઠ તણો કટકો,
રંગરસિયે કીધો રંગચટકો,
અલી! તે ૫ર આવડો શો લટકો?   ઓ વાંસલડી!૦

તને કહાનવર તો કરમાં રાખે,
તું અધર તણો રસ નિત્ય ચાખે,
હું તો અમને દુઃખડાં બહુ દાખે.   ઓ વાંસલડી!૦

તું મોહનના મુખ ૫ર મ્હાલે,
તુજ વિના નાથને નવ ચાલે,
હું તો શોક્ય થઈ અમને સાલે.    ઓ વાંસલડી!૦

તુંને હરિએ હાથ ગ્રહી લીધી,
તુંને સૌમાં શિરોમણિ કીધી,
ક્ષણું મુખથી નવ મૂકી વ્હીલી.    ઓ વાંસલડી!૦

હું તુજને આવી નવ જાણતી,
નહિ તો તુજ ૫ર મ્હેર ન આણતી,
તારાં ડાળ સાહીને મૂળ તાણતી.    ઓ વાંસલડી!૦

દયાપ્રીતમને પૂરણ પ્યારી,
તુંને અળગી ન મૂકે મુરારિ,
તારા ભેદગુણ દીસે ભારી!      ઓ વાંસલડી!૦

– દયારામ

ગઈકાલે આપણે વીસમી સદીનું વાંસળી-ગીત માણ્યું, આજે આહ્લાદ લઈએ ઓગણીસમી સદીના વાંસળી-ગીતનો. દયારામે ગોપીભાવે કૃષ્ણભક્તિનાં ઘણાં પદ રચ્યાં છે, એમાં કેટલાંક વાંસળીને સંબોધીને છે. એમાંનું એક તે આ. કવિ વાંસળી પર આરોપ લગાવે છે કે વ્રજની નારીઓને વેરણ થઈ પડવાના બદલે એણે પોતાની જાત વિશે વિચારી શોર મચાવવાનું બંઢ કરવું જોઈએ. જંગલના લાકડાના કટકાને રંગરસિયાએ સહેજ ચાખી લીધી એમાં આટલો લટકો? સદા કૃષ્ણના હાથ અને હોઠનો સ્પર્શ-રસ ચાખવા પામતી વાંસળી ગોપીઓને શોક્ય બરાબર લાગે છે અને દુઃખનું કારણ બની ગઈ છે. કૃષ્ણઃ વાંસળીને આ રીતે સૌમાં શિરોમણી બનાવી દેશે એ વાતની જાણ હોત તો ગોપીએ ડાળ પકડીને મૂળ જ ખેંચી ન લીધાં હોત! ન રહેતે વાંસ, ન વાગતે વાંસળી. કેવું સરસ પદ! દયારામનું આવું જ એક બીજું પદ પણ આ ટાંકણે યાદ આવે:

માનીતી તું છે મોહનતણી, હો વાંસલડી રે,
તુને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે, હો વાંસલડી રે.
મીઠો આવડો શો સોહોર, મોહ્યો નંદકિશોર, હો વાંસલડી રે
તારું આવડું શું જોર, ભૂંડી કાલજડું મા કોર રે, હો વાંસલડી રે.

બીજા એક પદમાં વાંસળી ગોપીને વળતો જવાબ આપે છે, એ પણ માણવા જેવો છે. વાંસલડીનો ઉત્તર અહીં વાંચી શકાશે.

Leave a Comment