જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

કવિતા વિશેની કવિતા: ૦૫: કવિને – ઉશનસ્

(પદ)

તું પ્હોંચી શકે તો પહોંચ,
મૂળ નીચે એક મૂળ છે, ટોચ ઉપર એક ટોચ;
ખોદી નાખી ટોચ, તું મૂળિયા નીચે પ્હોંચ;           —તું પ્હોંચી.

શૂન્યે બ્રહ્મનું અંડ છે, શૂન્ય સજીવ ભરપૂર,
ભીતર બ્રહ્મનું બીજ છે, બીજ ફૂટ્યો અંકુર!
શુક જેવી જો ચાંચ હોય તો અંડની અંતર કોચ.          —તું પ્હોંચી.

એક જ છેક અનંત છે, ચલે ન તારું ગણિત,
વાણી તારી શું કરે, વ્યાકરણ બાંધી રીત?
મન બુદ્ધિની પાર તે પામીશ શી રીત, શોચ.          —તું પ્હોંચી.

પાર ગયા તે પામિયા, પામ્યા તે પછી મૂક;
મૂક તે ક્યમ વરણી શકે અંડથી ઊઠી કૂક?
કૂક પાછળ મૂક શબ્દ તું, છૂટે બ્રહ્મસંકોચ.          —તું પ્હોંચી.

– ઉશનસ્

આ ગીતને આપણે કવિતા કરવા માટે કવિએ શું કરવું જોઈએ એની નાનકડી ‘ગાઇડબુક’ પણ કહી શકીએ. કેવળ મુખડાની વાત કરીએ… મૂળ સુધી ઊંડે ઊતરવાથી કે ટોચને આંબવાથી કવિતા કરાતી નથી. કવિની તૈયારી તો મૂળની નીચેના મૂળ અને ટોચની ઉપરની ટોચ સુધી પહોંચવાની હોવી ઘટે. અને ત્યાં પહોંચાશે કઈ રીતે? મૂળને ખોદીને એની નીચેના મૂળ સુધી કે ટોચથી ઊંચે વધીને એની ઉપરની ટોચ સુધી પહોંચાવાનું નથી. ટોચને ખોદીને મૂળ નીચેના મૂળ સુધી જઈ શકાશે. આ વિરોધાભાસ જ કવિતાનો આત્મા છે. મૂળ નીચેનું મૂળ અને ટોચ ઉપરની ટોચ યાને બે શબ્દો કે બે પંક્તિઓ વચ્ચેના અવકાશમાં છૂપાયેલી કવિતા અને અભિધાથી ઊઠીને વ્યંજના સુધી પહોંચવાની વાત. આખું પદ બહુ ગહન છે, પણ ધીરજપૂર્વક પરત ખોલતા જાવ તો આનંદ જ આનંદ…

Leave a Comment