હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

કવિતા વિશેની કવિતા: ૦૪: કવિતાને – ઉમાશંકર જોશી

(વસંતતિલકા)

હે વિશ્વકાવ્યજનની! તુજ ચંદ્રચારુ
જોતાં જ દૃષ્ટિ ઊછળે જળ સિન્ધુ કેરાં
મોજાં વહાવી ધરતીતટ લોલ, એવા
ઉલ્લાસક્ષોભ મુજ આ ઉરના નથી રે!
વીણા વહે મધુરતા તવ અંતરેથી,
તેના પ્રતિધ્વનિ કરું, નહિ ભવ્ય એવું
કો ઉચ્ચશૃંગ ગિરિ શું જડ હૈયું મારું!

તો માત! અંતર દબાવત અંધકારે
જામ્યાં પ્રમત્ત દળવાદળ મૃત્યુઘેરાં,
તે વીજળી ભભૂકતી બનીને કરાલી
ચાબુક મારી વરસાવી જજે તું વર્ષા!
હૈયું ન ગુંજી ઊઠતું તુજ મર્મરે,
તો જાજે બજાવી પગઠોકરથી જ મૈયા!

– ઉમાશંકર જોશી

કવિ કવિતાને કઈ રીતે જુએ છે એના પરથી એના જીવનમાં કવિતાનું શું મહત્ત્વ હશે એ સમજાય. ગુજરાતી કવિતાના ગુરુશિખરે બિરાજ્ય કવિ જેના ગર્ભમાંથી કવિતા આવે છે એને વિશ્વકાવ્યજનની કહીને સંબોધે છે. આ એક સંબોધન માત્રથી કવિ અને કવિતા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય છે. ચંદ્રની ચારુ દૃષ્ટિ પડતાવેંત જે રીતે સમુદ્રજળ હિલ્લોળે ચડી તટને તરબોળ કરી દે એવાં ઉલ્લાસ-ક્ષોભ પોતાનું હૈયું અનુભવતું ન હોવાની વિમાસણ કવિ વિશ્વકાવ્યધાત્રી સમક્ષ રજૂ કરે છે. કવિતાના અંતરેથી જે મધુરતા વહે છે, એનો પ્રતિધ્વનિ કરવાની કોશિશ તો કવિ કરે છે, પણ કવિનું જડ હૈયું પર્વતશિખરની ઊંચાઈ આંબવામાં વિફળ રહે છે. મૃત્યુના ઘેરાં વાદળોના અંધકારમાં દબાયેલ પોતાના અંતર પર કાવ્યમાતા વીજ-વર્ષા થઈને ત્રાટકે એ જ કવિની અભ્યર્થના છે. અને આ થવા છતાંય જો કવિહૃદય કાવ્યમર્મરથી ગુંજી ન ઊઠે તો પગની ઠોકર મારીને એને બજાવવા માટે કવિ કવિતાની દેવીને પ્રાર્થે છે.

(લોલ=ધરતી સાથે રગદોળવું, ચંચળ; કરાલી=ડરામણી, ભયંકર)

1 Comment »

  1. Varij Luhar said,

    October 16, 2026 @ 12:29 PM

    ઉત્તમ સોનેટ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment