કાં ગઝલ રચો, કાં ગીત – હરિકૃષ્ણ પાઠક
કાં ગઝલ રચો, કાં ગીત.
વચ્ચે વલખાં મારો તો ક્યાંથી મળશે મનમિત?
કાં ગઝલ રચો, કાં ગીત.
છંદ બધા છેવાડે બેઠા, અછંદને નહિ આરો,
પૂરણ-પટ આખ્યાનો રચવા કવિ સાવ નોધારો!
સમય સાંકડો થયો
કરે સહુ પળ-અધપળની પ્રીત,
કાં ગઝલ રચો, કાં ગીત.
પટપટ કરતા ચડ્યા મંચ પર, ઝટઝટ કીધા પાઠ,
કરી તરન્નુમ, હાથ ઉલાળ્યા, કીધા નવલા ઠાઠ!
તાળી પામ્યા?— તરી ગયા!
ભઈ એ જ કવિની જીત
કાં ગઝલ રચો, કાં ગીત.
– હરિકૃષ્ણ પાઠક
ઉદયન ઠક્કરનો બહુ જાણીતો શેર છે:
ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
પ્રસ્તુત ગીતમાં કવિ આ જ વ્યંગ વિગતે રજૂ કરે છે. છંદસ કાવ્યોનો જમાનો રહ્યો નથી, અછાંદસનો કોઈ આરો નથી રહ્યો અને પૂર્ણ કદનાં આખ્યાનકાવ્ય લખવાનો તો જમાનો જ રહ્યો નથી. કારણ? તો કે સમય… સમય જ એવો સાંકડો થઈ ગયો છે કે માણસ પ્રેમ પણ પળ-અધપળનો કરે છે, તો કવિએ ઓછા સમય ને સમજણથી કામ ચાલી જાય એવા ગીત-ગઝલને શરણે જ જવું રહ્યું ને! ગીતના બીજા બંધમાં કવિતાનો પર્યાય બની ગયેલ સભારંજન પર કવિએ કટાક્ષના ચાબખા ચલાવ્યા છે, એ વાંચતા જ મરાઠી કવિ મંગેશ પાડગાંવકર યાદ આવે: ‘ગઝલકાર એ કળાના ક્ષેત્રનો સાધક છે, લોકપ્રિય મસાલાનાં પડીકાં બાંધનાર દુકાનદાર નથી…. પ્રત્યેક શેર ‘વાહવા’, ‘બહોત અચ્છા’ અને તાળીઓના ગડગડાટથી માથાબોળ થતા રહે એવું આ મહેફિલનું દબાણ જોખમભર્યું છે. ગઝલ કાવ્યપ્રકારના વિકાસ આડે આવતી એ સહુથી મોટી બાધા છે. ગઝલકાર આ મોહમાં ફસાય તો એ સર્જક મટી સસ્તો તાળીઓનો ગુલામ બની જશે. ગઝલ-કાવ્યપ્રકારે વિકાસ સાધવો હોય તો એણે તાળીઓ અને દાદ સામે ધ્યાન આપી કરાતી ચમત્કૃતિના મોહમાંથી મુક્ત થવું જરૂરી છે…. કવિએ મહેફિલ જરૂર જીતવી, પણ પોતાની અનુભૂતિ સાથે પ્રામાણિક રહી મહેફિલ જીતવી. મહેફિલ કવિને જીતવા માંડે ત્યારે કવિ પણ ખલાસ થાય અને ગઝલ પણ.’

