બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિનેશ ડોંગરે ‘નાદાન’

દિનેશ ડોંગરે ‘નાદાન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પરખાઈ ગયા – દિનેશ ડોંગરે ‘નાદાન’

આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં;
એકમાં છે કેટલા ચહેરાઓ, પરખાઈ ગયા.

બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે;
વાસ્તવિકતા એ જ કેવળ રૂપ બદલાઈ ગયાં.

જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે;
અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.

એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.

એમની વાચાળતાનો છે અલગ અંદાઝ આ;
એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.

આખરે ‘નાદાનજી’ ના વ્યક્ત કંઈપણ થઈ શક્યું;
ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.

– દિનેશ ડોંગરે ‘નાદાન’

ગઝલનો મત્લા વાંચીએ ત્યારે સાહિર લુધિયાનવી લિખિત દાગ ફિલ્મના ગીતનું મુખડું માનસપટ પર ઝબકે:

जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग
एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग

પ્રસ્તુત ગઝલનો મત્લા પણ મનુષ્યના એક ચહેરામાં અનેક ચહેરાઓ સંતાયેલ હોવાની જ વાત કરે છે, પણ સાહિરે અનુમાનથી જે વાત કરી હતી, દિનેશ ડોંગરે એને પ્રમાણ આપીને કહે છે. આયનો તૂટીને ટુકડેટુકડા થઈ જાય ત્યારે દરેક ટુકડામાં આપણો ચહેરો નજરે ચડે છે. જે ચહેરો આખા આયનામાં આખો દેખાતો હતો, એ કોઈપણ ટુકડામાં આખો દેખાઈ શકતો નથી અને દરેક ટુકડામાં ચહેરાના અલગ અલગ ભાગ નજરે ચડે છે. એક ચહેરો તરડાઈ જઈને અનેકમાં વિભાજિત થઈ જાય છે. અહીં આયનો એકવચનમાં નથી. વાત આયનાઓની છે એટલે જોનાર પણ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે. આયનાનું બહુવચન કરીને કવિએ કોઈ એક વ્યક્તિના પ્રતીકથી સમાજની વાત કરવાના બદલે આખેઆખા સમાજને જ વરુણીમાં લઈ લીધો. બધા જ શેર વાંચતાવેંત ગમી જાય એવા છે.

Comments (15)

ગઝલ – દિનેશ ડોંગરે ‘નાદાન’

દર્દનું અસ્તિત્વ પૂછી જાય છે,
કોણ મારાં અશ્રુ લૂછી જાય છે ?

સ્હેજ અમથી એ બતાવે લાગણી
(ને) આખેઆખું અંગ ધ્રુજી જાય છે.

મૌન રહું તો મારો આતમ ડંખે છે,
બોલું તો વિશ્વાસ ઊઠી જાય છે.

સુપ્ત ઇચ્છા સપનું થઈને જાગે છે,
મારું હુંપદ જ્યારે ઊંઘી જાય છે.

હું લખું છું રોજ મારું ભાગ્ય ને –
રોજ આવી કો’ક ભૂંસી જાય છે.

જ્યાં જઉં છું ત્યાં ઉદાસી હોય છે,
કોણ મારાં પગલાં સૂંઘી જાય છે ?

– દિનેશ ડોંગરે ‘નાદાન’

બધા શેર સ-રસ પણ છેલ્લા બે શિરમોર.

Comments (2)