તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

સમજો – નીતિન વડગામા

સમજો સાચું શરણું.
હોડી છોડી કેમ પકડતાં તમેય પોકળ તરણું!

તરણાંના શરણાથી કેવળ પદ કે પદવી મળે.
થપાટ મારે કાળ જરા ત્યાં સઘળુંયે ખળભળે!

પવન આવતાં ઊડી જાશે હલકું અંગ-ઉપરણું !
સમજો સાચું શરણું.

એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.

નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.

પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !

શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.

– નીતિન વડગામા

સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.

7 Comments »

  1. Kishor Barot said,

    March 5, 2026 @ 12:09 PM

    આસ્વાદ્ય રચના 👌

  2. Vrajesh Mistri said,

    March 5, 2026 @ 12:55 PM

    હરણું… અને ઉપરણું… કા જવાબ નહી!

  3. DILIP DHOLAKIYA SHYAM said,

    March 5, 2026 @ 2:48 PM

    શેરડીની મીઠાશ જાણવા અને માણવા જાતે જ શેરડી ચૂસવી પડે…પણ હવે લોકોને રેડીમેઇડ પીરસાતા રસમાં વધુ મજા આવે છે. એટલે આવા પુસ્તકો વધુ વેંચાય છે..🙏

  4. Lalit Trivedi said,

    March 5, 2026 @ 7:00 PM

    વાહ વાહ

  5. Mamta Pandya said,

    March 5, 2026 @ 9:26 PM

    💯 . શરણું અઘરું છે. પણ આ શોર્ટ કટ લોકોને ફાવી ગયો છે

  6. Kishor Ahya said,

    March 5, 2026 @ 10:49 PM

    નરસિંહ મહેતાનું ભજન છે ,જે ગમે જગતગુરુ દેવ જગદીશને..આ ભજનમાં જે અમૃત છે ,જે શ્રદ્ધા છે, જે શરણાગતિનો મહિમા છે, એજ મહિમા કવિ શ્રી નીતિન વડગામાના આ કાવ્યમાં દેખાય છે. જુઓ..

    “જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
    તે તણો ખરખરો ફોક કરવો;
    આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
    ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

    હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
    શકટનો ભાર જેમ શ્વાન તાણે;
    સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
    જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત…”

    કવિ શ્રી નીતિન વડગામા કહે છે… પાઘડી(અહંકાર)
    “એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
    પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.”

    “થપાટ મારે કાળ જરા ત્યાં સઘળુંયે ખળભળે!
    પવન આવતાં ઊડી જાશે હલકું અંગ-ઉપરણું !
    સમજો સાચું શરણું.”

    સરળ શબ્દોમાં કવિ કરે છે, તરણાંના શરણ(બાહ્ય જગતની તુચ્છ બાબતો) થી પદ કે પદવીઓ મળે છે પણ કાળ નીં એક થપાટથી બધું ખળભળ થઈ જાય છે ,પંડિતોની ટીકા કરી કવિ કહે છે એના ચાવવાના જુદા દાંત છે! કસ્તૂરીની સુગંધ હરણની અંદર છે જેના માટે હરણ વ્યર્થ દોડ્યા કરે છે આ ઉદાહરણ આપી કવિ કહે છે સમજો સાચું શરણ. પરપોટો નહી ,પાણી જ(,ઈશ્વર) સાચું શરણ છે. આ માટે ઇશ્વરના શરણની મહિમા સમજવાની જરૂરિયાત પર કવિ ભાર મૂકે છે.

    સરસ કાવ્ય,સરસ કાવ્ય પસંદગી, તેમજ શ્રી વિવેકભાઈનો ખૂબ મજાનો આસ્વાદ..

    🌹🌹🌹🌹

  7. Parbatkumar Nayi said,

    March 6, 2026 @ 12:21 PM

    વાહ
    ગમતા કવિનું ગમતું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment