આપણી યાદગાર ગઝલો : ૦૧ : ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !
– બાલાશંકર કંથારીયા
(1858 – 1898)
ગુજરાતી ગઝલના ઈતિહાસની વાત કરવી હોય તો ‘બાલ’થી જ શરૂઆત કરવી પડે. ગુજરાતીની પહેલી યાદગાર ગઝલ એમની કલમે જ લખાયેલી છે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે – એ પંક્તિ તો સમય સાથે કહેવત સમાન બની ગઈ છે. અરબી અને ફારસીનો અભ્યાસ કરી ગઝલને ગુજરાતીમાં લાવવાનો યશ એમને જ છે. સવા સદી પહેલા લખાયેલી આ ગઝલ આજે પણ ફરી ફરી વાંચવાનુ મન થાય એ પોતે જ એક સિદ્ધિ છે.
Vinod Dave said,
December 5, 2008 @ 11:10 AM
પ્રાથમિક શાળાના દિવસો યાદ લાવી દિધા તમે આ ગઝલથી.
અનામી said,
December 5, 2008 @ 12:16 PM
છેલ્લો શેર અદભુત્!
ડો.મહેશ રાવલ said,
December 5, 2008 @ 5:17 PM
લયસ્તરોએ આપેલ શિર્ષક -આપણી યાદગાર ગઝલો-ને અનુરૂપ કહી શકાય એવી ગઝલ માત્ર આ જ હોઇ શકે……..
uravshi parekh said,
December 5, 2008 @ 6:36 PM
ઘણા વખત થિ અલગ અલગ કડીઓ સામ્ભળી હતી.
આજે આખિ ગઝલ તેના ઇતીહાસ સાથે વાન્ચવા મળી.સારુ લગ્યુ.
સિધી સાદિ પન્કતીઓ મા કેટલુ બધુ કહી દિધુ છે.
સરસ વિચાર અને પ્રયત્નછે.
Mansi Shah said,
December 6, 2008 @ 12:40 AM
ગુજારે જે શિરે તારે….
પહેલી બે પંક્તિઓ પપ્પાની ફેવરીટ પંક્તિઓ. જયારે પણ અમે કોઈ ક્રિટીકલ સિચ્યુએશનમાં હોઈએ ત્યારે પપ્પા આ પંક્તિઓ અમને સંભળાવે, અને હવે તો જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો અમે પણ આજ પંક્તિઓ યાદ કરીએ. આજે જ્યારે હું પપ્પાને આ આખી ગઝલ સંભળાવીશ તો ખુશ થઈ જશે!
Thank you very much Vivekbhai & Dhavalbhai!
parampagal said,
August 9, 2009 @ 11:39 PM
અતઇ સુન્દર……..
ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા | ટહુકો.કોમ said,
September 5, 2011 @ 7:56 PM
[…] (શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ) […]
Vijay Solanki said,
September 9, 2011 @ 1:32 PM
ભણાવતા પહેલા સદાશિવ માસ્તરે (શ્રી સદશિવ ભટ્ટ્ – વી.સી. હાઈસ્કૂલ, મોરબી) પ્રસ્તાવના માં કહ્યું હતું કે આ છે ગુજરાતી ભાષા ની પહેલી ગઝલ. બાળપણમાં ભણેલી આ રચનાની પ્રત્યેક પંક્તિ આજે સાઈઠ વર્ષે પણ યાદ. જાણે આગમની સુક્તિઓની સચોટ અભિવ્યક્તિ. તમારા જેવા ઝવેરી છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના આવા અણમોલ રત્નો ઝળહળતા રહેશે. ધન્યવાદ.
jayshri Dalal said,
September 14, 2011 @ 7:06 AM
સુખી જીવન મળે તો નીર સમ કલરવ કરી વહેજે
વિપત્તી નો પવન જો વાય તો પથ્થર બની રહેજે
ટૂટે આકાશ તો પણ દોષ ના પ્રારબ્ધને દેજે
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે
ગણ્યુ જે પ્યારુ પ્યારાયે અતિ પ્યારુ ગણી લેજે….
કેટલીક સારી કડીઓ રહી ગઈ છે છતા આનન્દ આવ્યો.
જયશ્રી દલાલ.
જયેશ ડેલીવાળા said,
March 27, 2012 @ 4:39 AM
બાલાશંકર કંથારીયાના જીવન વિષેની જાણકારી ક્યાંથી કે કયા પુસ્તકમાં થી મળે તેની જાણકારી કોઈ પાસે હોય તો મને ઉપરના ઈમેઈલ એડ્રેસ ઉપર જણાવે.
sagar said,
April 11, 2013 @ 8:13 AM
વાહ
Jitesh said,
May 31, 2013 @ 7:55 AM
સરસ
Parbatkumar said,
December 25, 2020 @ 10:52 AM
અદભૂત ગઝલ