અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

ઝાલાવાડ – લાભશંકર રાવળ ‘શાયર’

બહાર અમારે રેતી, ભીતર
.            જલની ભરખમ આવ,
સુખમાં ભલે ન કાંઈ સમજીએ
.            દુઃખમાં તો દરિયાવ.
.            અમારે ભીતર જલની આવ.

જરીક ટચકો વાગે હૈયે
.            પ્રગટે રસ સરવાણી
જગને જ્યારે મૃગજળ અમને
.            સઘળે પાણી પાણી
વૈશાખી આંખોના તળિયે
.            ભાદરવાના ભાવ
.            અમારે ભીતર જલની આવ.

અષાઢનું જલ જગના હૈયે
.            કલકલ વહેતું જાતું,
પચતું ઉરની ભોંય અમારે
.            ફોગટ ના છલકાતું,
અષાઢ તો આષાઢ અમારે
.            સાગ૨નાય સમાવ
.            અમારે ભીતર જલની આવ.

વસંતમાં તો સૌ વિલસે ને–
.            સૌએ રંગવિભોર,
બળુ બળુ અંગારે કેવળ
.            હસી રહે ગુલમ્હોર
વગડો આખો લૂમે લેવા
.            કેસરભીના લ્હાવ
.            અમારે ભીતર જલની આવ.

– લાભશંકર રાવળ ‘શાયર’

કવિ સમાજનો ખરો પ્રહરી અને કવિતા ખરો આયનો છે. જે તે સમય અને પ્રદેશની કવિતાઓમાંથી જે તે સમયની સભ્યતાનો સાચુકલો ક્યાસ કાઢી શકાય છે. ઇતિહાસ તો રાજકારણીઓ અને વિજેતાઓ લખે, એને તથ્ય સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. જુગારમાં ભાઈઓ અને પત્નીને હારી જાય અને પત્નીના જાહેરસભામાં ચીરહરણ સમયે આંખો બંધ કરી બેસી રહે એને આપણે ધર્મરાજ કહીએ કારણ એ વિજેતા થયા. દુર્યોધનની જેમ હારેલાઓએ લખેલો ઇતિહાસ જોવામાં આવતો નથી. પણ સાહિત્યકાર રાજકારણ અને હારજીતના ભાવથી મુક્ત હોવાથી સમાજનું સાચું અને પ્રામાણિકતાપૂર્ણ આલેખન જોવું હોય તો એ ઇતિહાસ કરતાં વધારે સાહિત્યમાં જ જોવા મળશે. પ્રસ્તુત રચના એનું એક નાનકડું ઉદાહરણ છે. કવિએ ઝાલાવાડનો મિજાજ કેવો સુપેરે પકડી બતાવ્યો છે એ જુઓ. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહેતી સૌરાષ્ટ્રવાસીઓની દરિયાદિલી કવિએ બખૂબી ઝીલી છે.

Leave a Comment