આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે – રઈશ મનીઆર
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)
સ્વર: શૌનક પંડ્યા
[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]સ્વર: ધ્વનિત જોષી
[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….
‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે. આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.
વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો… આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…
આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.