હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.
છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.
-રાજેન્દ્ર શુક્લ
ગિરનારની તળેટીમાં આજે શરદપૂર્ણિમાના રોજ તારીખ ૦૭-૧૦-૨૦૦૬ નો દિવસ સાક્ષાત્ સરસ્વતીના અવતરણ સમો યાદગાર બની રહેશે. જૂનાગઢના ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ તરફથી દરવર્ષે અપાતો ગુજરાતી કવિતા માટેનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત “નરસિંહ મહેતા પુરસ્કાર” રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં આ વર્ષે મોરારિબાપુના વરદ્ હસ્તે કવિશિરોમણી શ્રી રાજેન્દ્ર શુક્લાને અપાશે ત્યારે એમનું આ બહુમાન છે કે ગુજરાતી કવિતાનું- એ નક્કી કરવું આકરું થઈ રહેશે…
રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.
(ચાનક= કાળજી, (૨) ઉત્તેજન, ઉત્સાહ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમર્યો; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; નાનક = ગુરૂ નાનક; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાવામાં હોશિયારી, સંગીતમાં પ્રવીણતા; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = નગારું )
સુરેશ જાની said,
October 7, 2006 @ 11:07 AM
રાજેન્દ્ર શુકલ અને જવાહર બક્ષી બન્નેને હું મકરંદ દવેની કક્ષાના ઋષિકવિ માનું છું .
કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક ….
તેમના નાના દિકરાનું નામ જોગાનુજોગ જાજ્યલ્ય છે !! મોટાનું નામ ધૈવત
ધવલ said,
October 8, 2006 @ 12:13 AM
જેમ ખરો સાધુ બધી જાતના માણસોને કોઈ ફરક વિના મળે છે એમ કવિ અહીં એક તરફ ‘શબોરોજ’થી શરુ કરીને ‘અમિયેલ’ સુધીના શબ્દોને એક જ ગઝલમાં જરાય ખટકે નહીં એ રીતે વાપરી બતાવે છે !
ગુજરાતી ગઝલમાં એક સિમાચિહ્ન જેવી રચના.
Rajeshwari Shukla said,
October 10, 2006 @ 6:36 AM
રાજેન્દ્રભાઈનિ કવિતા તો સુંદર હોય છે જ પણ આવા કવિના ચિત્તમાં જે ક્ષણે કાવ્ય પ્રગટતું હોય તે ક્ષણોને જોવી તે પણ એક લહાવો છે.આ કાવ્ય દાહોદના અમારા”સ્વપ્ન”નામના ઘરમાં લખાયું છે અને તેના પ્રાકટ્યની ક્ષણોને મેં જોયેલી છે…..આ કાવ્ય કરતાં પણ તે ક્ષણો વધુ અદભૂત હતી…..
વિવેક said,
October 10, 2006 @ 9:28 AM
રાજેશ્વરીબેન,
આટલું કહીને છટકી જશો તો કેમ ચાલશે? કાવ્યના પ્રાકટ્યની જે ક્ષણો તમે માણી છે એમાં અમને સૌને વિગતવાર સહભાગી નહીં બનાવો? એ ક્ષણો વિશે સવિસ્તાર વાત કરશો તો વધુ મજા આવશે…
Rajeshwari Shukla said,
October 11, 2006 @ 5:40 AM
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી
કહો કેમ લખશું અમૂલખ કથાનક?
Dilip Patel said,
October 14, 2006 @ 5:54 PM
ગુજરાતી ગઝલોના ગૌરવ સમા પૂજ્ય રાજેન્દ્રભાઈ શુક્લની આ આત્મરંજન કરાવતી ગઝલ વિવેકભાઈના શબ્દોના અર્થ નિરૂપણથી અતિશય આસ્વાદ્ય બની ગઈ છે. આભાર.
લયસ્તરો » શબ્દ રામરોટી છે - રાજેન્દ્ર શુક્લ said,
June 3, 2007 @ 11:39 PM
[…] ૨ જૂને અમદાવાદમાં ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન – રણજિતરામ સુવર્ણચંદ્રક – પ્રદાન કરવામાં આવ્યો. ગયા વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર એમને અર્પણ થયેલો. આ પ્રસંગે શબ્દના આ પરમ ઉપાસકની એક ગઝલ આજે માણીએ. […]
ગાગરમાં સાગર » Blog Archive » હજો હાથ કરતાલ -રાજેન્દ્ર શુક્લ said,
November 17, 2007 @ 3:10 PM
[…] ચાનક= કાળજી, (૨) ઉત્તેજન, ઉત્સાહ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમર્યો; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; નાનક = ગુરૂ નાનક; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાવામાં હોશિયારી, સંગીતમાં પ્રવીણતા; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનહલક = ?હલક(કંઠ, સૂર) વગરનું; આનક = નગારું (શબ્દાર્થો સાભાર લયસ્તરો પરથી…) […]
pragnajuvyas said,
December 14, 2007 @ 6:54 PM
સંપ્રદાયોના તાત્વિક નીચોડ જેવી રાજેન્દ્ર શુક્લની ગઝલ એક આધ્યાત્મિક અનુભૂતિ છે.
‘અશબોરોઝ એની મહેકનો મુસલસલ
અજબ હાલ હોને અનલહક હો આનક !’ સુફી સંતોની ફીલસુફી
આમાં ‘અનલહક’ તો મુખ્ય શબ્દ!સુફીની મંઝીલ!!
આને મરોડી અનહલક = ?હલક(કંઠ, સૂર) વગરનું-ઠીક નથી લાગતું.
કોઈ જાણકારનો અભિપ્રાય લેવા વિનંતી
વિવેક said,
January 16, 2008 @ 1:39 AM
પ્રિય પ્રજ્ઞાબેન,
સમય સાથેની હોડમાં સતત પાછળ જ રહી જવાય છે… સામયિકમાં થયેલ નાનકડા મુદ્રણદોષને અનુસરીને લયસ્તરો પર કવિતા પૉસ્ટ કરવામાં થયેલ નાની ભૂલના કારણે થતા અર્થના મહાઅનર્થ તરફ ધ્યાન દોરવા બદલ હું આપનો સદૈવ ઓશિંગણ રહીશ. ખૂબ ખૂબ આભાર… સાચી કૃતિ શોધી લાવવા બદલ ઊર્મિનો પણ આભાર..
‘અનલહક’ શબ્દના સ્થાને અનહલક લખી દેવાથી થયેલો ગોટાળો હાલ અહીં સુધીરી લીધો છે પણ આવી ભૂલો તરફ સતત ધ્યાન દોરતા રહેવા નમ્ર વિનંતી….