પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૧૯ : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી – જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી (જન્મ: ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭)

[audio:http://tahuko.com/gaagar/layastaro/Jawahar Baxi-Tolani Shoonyata choon.mp3]

જવાહર બક્ષીએ જીવનના રંગને બહુ ઘૂટ્યા પછી ગઝલો લખી છે. સબળ વૈચારિક ભૂમિકા પર બંધાયેલી એમની ગઝલો એક તરફ એમના ઊંડા તત્વજ્ઞાનનો પરિચય આપે છે તો બીજી બાજુ એમના તીવ્ર સંવેદનની સાહેદી પૂરે છે. એમનો એકમાત્ર સંગ્રહ છે ‘તારાપણાના શહેરમાં’.

આ ગઝલ એવી છે કે એમા કવિ શું કહેવા માગે છે એના કરતા તમે શું સમજવા માંગો છો એનું વધારે મહત્વ છે. આ આત્મશોધનની ગઝલ છે. જાતને તપાસવાનું એક સાધન છે. પોતે ‘ખાલી’ હોવાનું કવિને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એમને પોતાના ‘ટોળાં’માં જકડાયેલા હોવાનું પણ છે. અને આ બંને હકીકત પોતાની જાતને કેટલી બૂઠ્ઠી બનાવી દે છે એ અહેસાસનો પડઘો આ ગઝલ છે. અર્થ વગરનાં અવાજો કરવા સિવાય આ ‘ખાલીપણું’ બીજા કોઈ કામનું નથી એવો – ચીસ જેવો – શેર મૂક્યા પછી કવિ એક તદ્દન અલગ વાત કરે છે. ઈસુ અને પોતાની જાત – બન્નેમાં શું સામ્ય છે ? – અવિરત પીડા (શૂળી ઉપર જીવું છું) અને ફકીરી (લંબાતો હાથ છું). જે દુ:ખોથી આપણે ત્રસ્ત છીએ એ જ ઈશ્વર સુધી જવાનો રસ્તો પણ છે એવો ઈશારો કવિ પોતાની રીતે કરી લે છે ! આ રગાશિયા જીન્દગી અને સંવેદનહીનતા પર છેલ્લા બે શેર લખીને કવિ પોરો ખાય છે. અહીં ગઝલ પૂરી થાય છે પણ વાચકનું કામ તો અહીં જ શરૂ થાય છે – એ કામ છે જાતને તપાસવાનું.

3 Comments »

  1. Jayshree said,

    December 14, 2008 @ 4:46 PM

    જવાહર બક્ષીની ગઝલો યાદ કરવાનું હોય તો નિઃશંક આ ગઝલ સૌથી પહેલા યાદ આવે..
    સરસ આસ્વાદ કરાવ્યો ધવલભાઇ..!!

  2. ઊર્મિ said,

    December 14, 2008 @ 9:32 PM

    ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
    મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

    હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
    ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

    શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
    મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

    જ.બ.નાં મને સૌથી ગમતા આ ત્રણ શેર… સાચી વાત છે ધવલભાઈ, ખૂબ સરસ વાત કરી… જેટલું વાર આ ગઝલ વાંચો એટલીવાર જાણે અંદરનો ‘હું’ હચમચાઈ છે અને કંઈક નવું ખૂલતુ હોય એમ લાગે છે…!!

  3. Latika said,

    December 27, 2016 @ 11:31 AM

    Dhaval, I like your interpretation of ghazal.. 👌🏻👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment