આપણી યાદગાર ગઝલો : ૦૩ : ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
– શયદા
(1892 -1962)
ગુજરાતી ગઝલને પોતીકુ રૂપ આપવાનુ શ્રેય શયદાને જાય છે. એમણે મુશાયરાની પરંપરાને જીવંત કરીને ગઝલને ગુજરાતમાં લોકપ્રિય બનાવી. ગઝલમાં ફારસી શબ્દોનો ઉપયોગ ઓછો થયો અને ખરેખર ‘ગુજરાતી’ ગઝલ લખાતી થઈ. શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ગુજરાતી ગઝલના પિતામહ શયદાની આ ગઝલ એમના મિજાજ અને શૈલીની સારી ઓળખાણ આપે છે.
વિવેક said,
December 6, 2008 @ 4:37 AM
ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવાનું સાચું શ્રેય શયદાને જાય છે. મુશાયરાઓ દ્વારા ગઝલને લોકભોગ્ય બનાવવામાં પણ શયદાનો ખૂબ મોટો ફાળો રહેલ છે.
ઊર્મિ said,
December 6, 2008 @ 8:47 AM
એક એક શેરમાં તોલી તોલીને જીવનની ફિલોસોફી અને ખુમારી ભરી લાગે છે…!
આ ગઝલને મેં સાંભળી છે, પરંતુ યાદ નથી કે કોણે ગાઈ છે… કોઈ પાસે આ ગઝલ કે એની માહિતી હોય તો જણાવવા વિનંતી.
અનામી said,
December 6, 2008 @ 9:48 AM
ગુજરાતી ભાષામાં અમર થવા સર્જાયેલો શેરઃ
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા | "મધુવન" said,
January 1, 2011 @ 9:01 PM
[…] આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે. સૌજન્ય:લયસ્તરો આ પણ જુઓ: “લાગણી” એક સાચો પ્રેમ Twitter / […]