આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
નિનાદ અધ્યારુ

કોણ ઝીલે ? – ભૂપેન્દ્ર વ્યાસ

કોણ ઝીલે?
ભીતરની છોળ કોણ ઝીલે?
.                    – કોણ ઝીલે?

મારામાં માર્યો મેં
.            ધુબકો ધબ્બાક,
જળ ઊછળ્યાં છબ્બાક,
.            ઝીલે ઝીલે.
.                    – કોણ ઝીલે?

મારામાં ખીલ્યો હું
.            ખીલ્યો ખટ્ટાક,
ફોર ફૂટી ફટ્ટાક;
.            પી લે પી લે.
.                    – કોણ ઝીલે?

– ભૂપેન્દ્ર વ્યાસ

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?

4 Comments »

  1. Rakesh Thaker said,

    November 4, 2024 @ 1:21 PM

    વાહ શબ્દ ઓછો પડે
    ભીતર થી તરબતર કરે
    એવી રચના
    લાલ ચટ્ટક રંગ જેવી

  2. Harihar Shukla said,

    November 4, 2024 @ 4:19 PM

    ખટાખટ ફટાફટ મન સોંસરવું ઉતરી જતું ગીત👌💐

  3. Dhruti Modi said,

    November 5, 2024 @ 4:44 AM

    કેવી સુંદર કવિતા ! સીધી, સાદી અને છતાં પોતાની અંદરને કોણ ઝીલે ? પ્રશ્ન પણ ક્યાંય સરળ ભાવ ! કવિને અભિનંદન ! 👌👌👍💕💕

  4. Poonam said,

    November 6, 2024 @ 11:23 AM

    કોણ ઝીલે?
    ભીતરની છોળ કોણ ઝીલે?
    – કોણ ઝીલે? 👌🏻 ( Astitva ?! )
    – ભૂપેન્દ્ર વ્યાસ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment