આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

(જરા છું, જરા નથી) – રઈશ મનીઆર

ચાલું છું પણ સફરમાં જરા છું, જરા નથી,
છું કેદ, તોય ઘરમાં જરા છું, જરા નથી.

એવીય છે ગતિ, જે વહે બાળપણ તરફ,
વધતી જતી ઉમરમાં જરા છું, જરા નથી.

વેરાઈ આમતેમ જરા હળવો થાઉં છું,
આ દેહની ભીતરમાં જરા છું, જરા નથી.

સંપૂર્ણ લક્ષ પણ નથી, અવગણના પણ નથી,
ઈશ્વરની પણ નજરમાં જરા છું, જરા નથી.

પીડા તો થાય છે છતાં છે સ્મિત હોઠ પર,
છેદ્યું તમે એ થરમાં જરા છું, જરા નથી.

પ્રત્યેક રાતે મરતો રહું છું જરાજરા,
હર ઊગતા પ્રહરમાં જરા છું, જરા નથી.

ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે,
દાટ્યો’તો એ કબરમાં જરા છું, જરા નથી.

– રઈશ મનીઆર

લયસ્તરો પર આજે કવિશ્રી રઈશ મનીઆરના નવ્ય ગઝલસંગ્રહ ’કેવળ સફરમાં છું’નું સહૃદય સવાગત કરીએ…

સંગ્રહમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવાનું કામ બહુ અઘરું હતું. જે ગઝલ પસંદ પડે, એ તો લયસ્તરો પર હોય જ. એક અનૂઠી રદીફવાળી ગઝલ અત્રે રજૂ કરું છું. વર્ગમાં શિક્ષક ભણાવતાં હોય કે મિત્રો ભેગાં મળીને વાતચીત કરતાં હોય, મા-બાપ કોઈ બાબતે ઠપકો આપતાં હોય કે બાલ્કનીમાં ખુરશી ઢાળીને આપણે એકલા બેઠા હોઈએ, આપણા સહુનો અનુભવ છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં કદીયે સોએ સો ટકા હાજર રહી શકતાં જ નથી. આવી અધકચરી અધૂરી ઉપસ્થિતિ લઈને જ આપણે દુનિયામાંથી પસાર પણ થઈ જઈએ છીએ. આવી જરા હોવાની અને જરા ન હોવાની આંશિકતાતો તંત ઝાલીને પડકારરૂપ રદીફ પ્રયોજીને કવિએ કેવી મજાની સપ્તરંગી ગઝલ આપી છે!

14 Comments »

  1. દીપક પેશવાણી said,

    November 16, 2024 @ 12:26 PM

    બહુ મજાની ગઝલ.. રઈશ મનીઆર સાહેબને અભિનંદન સહ શુભેચ્છાઓ…

  2. Aasifkhan Pathan said,

    November 16, 2024 @ 12:26 PM

    વાહ વાહ વાહ

  3. સુષમ પોળ said,

    November 16, 2024 @ 12:34 PM

    વાહ ખૂબ સરસ ગઝલ.
    દરેક શૅર અતિ સુંદર. કવિશ્રી રઈશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન💐💐

  4. R.B RATHOD said,

    November 16, 2024 @ 1:14 PM

    વાહ વાહ

  5. Harihar Shukla said,

    November 16, 2024 @ 3:56 PM

    ઓહો!
    બસ સપ્તરંગી શેર અને રઈશ મણીયાર સાહેબ👌💐

  6. TUSHAR JANI said,

    November 16, 2024 @ 4:58 PM

    વાંચીને ખુબ આનંદ થયો

  7. Rakesh Thaker said,

    November 16, 2024 @ 6:36 PM

    વાહ…વાહ…અદ્ભુત દરેક શેર મન ભાવન….

  8. Varij Luhar said,

    November 16, 2024 @ 10:03 PM

    વાહ.. સરસ ગઝલ…’ કેવળ સફરમાં છું ‘ ને આવકાર

  9. ડો.મહેશ રાવલ said,

    November 17, 2024 @ 3:16 AM

    વાહ….સરસ રદીફ અને એવી જ દરજજાવાન માવજતસભર ગઝલ👌🏽
    મિત્ર કવિશ્રી,રઈશભાઈને નવ્ય ગઝલ સંગ્રહ “કેવળ સફરમાં છું” માટે
    ગઝલપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ 💐
    @આભાર,લયસતરો💐

  10. Sikandarmultani said,

    November 17, 2024 @ 7:28 AM

    વાહ..સરસ ગઝલ..
    અભિનંદન.. શુભેચ્છાઓ..

  11. Shailesh gadhavi said,

    November 17, 2024 @ 6:59 PM

    વાહ વાહ.. રઈશભાઈને ખૂબખૂબ અભિનંદન, આવકાર💐

  12. Parbatkumar Nayi said,

    November 18, 2024 @ 5:57 PM

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રિય કવિ રઈશભાઈને

  13. બાબુ સંગાડા said,

    November 18, 2024 @ 9:05 PM

    ખૂબ સરસ

  14. Sejal Desai said,

    November 19, 2024 @ 12:30 PM

    વાહ..ખૂબ સરસ ગઝલ…રઈશ સરને નવા અને અદ્વિતીય ગઝલ સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment