પ્રેરણાપુંજ : ૦૬ : એક ઘા – કલાપી
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !
આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.
રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
– કલાપી
ફરી એકવાર – કાવ્ય મુકવાનું કારણ અંગત….. – લગભગ ચોથા ધોરણમાં આ કાવ્ય ભણવામાં આવ્યું હતું અને જીવનમાં કાવ્યપ્રકાર માટે અનુરાગ જગાડનારા કાવ્યોમાંનું આ એક.
ઘા માત્ર શરીરના નથી હોતા. સૌથી ગહેરા ઘા માનવીના શબ્દો અને માનવીનું આચરણ કરતા હોય છે. હું પોતે જ એ અપરાધ વારંવાર કરતો આવ્યો છું – અસંખ્ય ઘા મેં ઘણાને કીધા છે. પાછળથી પારાવાર પસ્તાવો પણ થયો છે….. પણ….સમયના ચક્ર કદી ઊંધા ફરતા નથી અને કરેલાં ઘા કદાચ રૂઝાઈ ગયા હોય તોપણ નિશાન રહી ગયા છે….ગુમાવેલો વિશ્વાસ લૌટીને પાછો આવતો નથી…..અને મનમાં આ કાવ્યનું અંકિત ચરણ પડઘાયા કરતું રહે છે-
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
આ પંક્તિએ મને અનેકવાર કોઈને ઝખમી કરી દેતા અટકાવ્યો છે 🙏🏻🙏🏻