મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.
-કુતુબ ‘આઝાદ’

પ્રેરણાપુંજ : ૦૬ : એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

ફરી એકવાર – કાવ્ય મુકવાનું કારણ અંગત….. – લગભગ ચોથા ધોરણમાં આ કાવ્ય ભણવામાં આવ્યું હતું અને જીવનમાં કાવ્યપ્રકાર માટે અનુરાગ જગાડનારા કાવ્યોમાંનું આ એક.

ઘા માત્ર શરીરના નથી હોતા. સૌથી ગહેરા ઘા માનવીના શબ્દો અને માનવીનું આચરણ કરતા હોય છે. હું પોતે જ એ અપરાધ વારંવાર કરતો આવ્યો છું – અસંખ્ય ઘા મેં ઘણાને કીધા છે. પાછળથી પારાવાર પસ્તાવો પણ થયો છે….. પણ….સમયના ચક્ર કદી ઊંધા ફરતા નથી અને કરેલાં ઘા કદાચ રૂઝાઈ ગયા હોય તોપણ નિશાન રહી ગયા છે….ગુમાવેલો વિશ્વાસ લૌટીને પાછો આવતો નથી…..અને મનમાં આ કાવ્યનું અંકિત ચરણ પડઘાયા કરતું રહે છે-

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ પંક્તિએ મને અનેકવાર કોઈને ઝખમી કરી દેતા અટકાવ્યો છે 🙏🏻🙏🏻

 

2 Comments »

  1. Dhaval Shah said,

    December 11, 2023 @ 9:05 AM

    આ કવિતા માર્રી પણ બહુ પ્રિય છે. ‘લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે’ રટતા રટતા જ આપણે બધા મોટા થયા. પણ આટલા વર્ષે સમજાય છે કે ઘા વિસરી શકવું શક્ય છે અને વિસરાતા શીખવું પણ શક્ય છે.

    કવિતામાં કરુણ-રસ હોય તે સરસ પણ જિંદગીમાં તે હોવો જરૂરી નથી. ભૂલી જવાની કળા અઘરી છે પણ અસાધ્ય નથી. થોડો ‘ઈમોશનલ અલ્ઝાઇમર’ માનસિક સ્વાસ્થ મારે સારો છે.

  2. વિવેક said,

    December 11, 2023 @ 10:59 AM

    આ કવિતાનો મારા જીવનમાં પણ બહુ મોટો ફાળો અને પ્રભાવ રહ્યો છે. મારા કુમળા બાળમાનસના ઘડતરમાં કલાપીની આ રચનાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. સાથે જ ધવલની વાત પણ સાચી છે, કે લાગ્યા ઘા પણ કોશિશ કરીએ તો અવશ્ય વિસરી શકાય છે. જો કે આ સમજ આવતાં બહુ વરસો નીકળી ગયાં…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment