ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

એક ઇચ્છા – કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઇચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

– કલાપી

મારુ નમ્રપણે માનવું છે કે ગુજરાતી સાહિત્યજગતે કલાપીને જાણતા-અજાણતા અન્યાય કર્યો છે. કલાપી એક માત્ર ઉચ્ચ દરજ્જાનો કવિ જ નહોતો પણ એનામાં માનવમનની ગૂઢ઼તમ ગહેરાઈઓમાં ઝાંકવાની અનૂઠી તાકાત હતી-દ્રષ્ટિ હતી….

વાત vulnerability ની છે. આ શબ્દ માટે કોઈ સચોટ ગુજરાતી શબ્દ દીસતો નથી. કદાચ માનવી પોતાની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવીને તદ્દન સાજો-નરવો, લેશમાત્ર ઘા-પીડા વિના જીવી શકે. પણ સાથે જ એ ઈશ્વરદત્ત અણમોલ દિવ્ય આનંદોથી પણ વઁચિત રહી જાય !! જે પ્રેમ જ ન અનુભવે, તે પ્રેમની પીડાથી તો બચી જાય કદાચ, પણ પ્રેમના આસવની મસ્તીથી પણ તો એ વાંઝણો રહે ને !!

જખમ સહેવા પોસાય……હૃદયને કિલ્લેબંધ રાખવું ન પાલવે…..

3 Comments »

  1. pragnajuvyas said,

    September 15, 2021 @ 3:20 PM

    કવિશ્રી કલાપી ની સુંદર રચના
    બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
    અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
    ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
    કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !
    વાહ્

  2. વિવેક said,

    September 16, 2021 @ 1:50 AM

    ઉમદા રચના…

  3. જયેન્દ્ર ઠાકર said,

    September 16, 2021 @ 3:49 PM

    કલાપીની રચનાઓ હૃદયમાંથી ઉદભવેલી! જગતના બધા ખેલો મગજમાં તોલાતા હોય ત્યારે દિલની વાતો કોણ સાંભળે! અટલેજ તેણે કહ્યું….કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment