જોગી વરવા – કલાપી
હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !
જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ !
જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !
જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ !
હમે જાહેરખબરો સૌ જીગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ !
ગરજ જો ઇશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ !
જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !
ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં કયાંયે સુખેથી ઊંઘનારાઓ !
સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતા,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !
જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !
બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !
હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ !
[ મુરશિદ – ધર્મોપદેશક ]
કલાપી એટલે મારો first love….. એની ગઝલના બધાં જ શેર ભાગ્યે જ ગમે,પરંતુ જે બે-ચાર ગમી જાય તે પૈસા વસૂલ કરી દે. ‘હમે જોગી બધા વરવા ….’, ‘ ગમે તે બેહયાઈને દઈ ….’, ‘ જખમથી જે ડરી રહેતાં,….’ – જેવાં શેર તરુણાવસ્થાથી જ દિલમાં ઉતરીને આસન જમાવી બેઠા છે.
એક રમૂજી કિસ્સો છે- કોઈએ મહાત્મા ગાંધી આગળ કલાપીના વખાણ કર્યા. ગાંધીજીને પ્રણય-કાવ્યો પ્રત્યે પહેલેથી જ અણગમો. ગાંધીજી કહે- ‘ આવા રાજવીઓ હોય તો સ્વરાજ ક્યાંથી મળે ? ‘ આ વાતની ખબર કવિશ્રી ન્હાનાલાલને પડી. તેઓએ વળતો ફટકો માર્યો- ‘ આવા રાજવી વિનાનું સ્વરાજ શું કામનું ? ‘ …………
Kalpana said,
August 28, 2011 @ 5:45 AM
રાજવી કવિની વાત બહુ ગમી. નાનુ રાજ ધરાવનારા કાઠીના રાજવી આટલા ઉમદા કવિ હોય, અને બાકીના પૂરેપૂરા શૂરવીર હોય તો સ્વરાજ સફળ. સુન્દર રચના. ગાવાની મઝા આવે એવો છંદ. આભાર વિવેકભાઈ.
Kartika Desai said,
August 28, 2011 @ 3:20 PM
રાજવી કવિ…કલાપિ, મારા પ્રિય! શુ સુન્દર રચના….મન આનન્દોલ્લાસ મા વહિ ગયુ.
વિવેક said,
August 29, 2011 @ 1:25 AM
A Vintage Ghazal….
@ કલ્પનાબેન: આપની જાણ ખાતર: આ પોસ્ટ ડૉ. તીર્થેશ મહેતાએ કરી છે, મેં નહીં…
Sudhir Patel said,
August 29, 2011 @ 10:21 PM
કાઠીના નહીં, પણ લાઠીના રાજવી કવિ કલાપીને સો સો સલામ, જેમણે ગુજરાતી ગઝલને ગુંજતી કરી!
સુધીર પટેલ.
રાકેશ ઠક્કર, વાપી said,
August 30, 2011 @ 2:47 AM
સરસ
જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !