એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…
વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
[અંજનીગીત]
રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
. સાથે રોતું ને જોતું !
વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
. સાથે સૌ સ્હેજો !
– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
* * *
વીત્યાંને રોવું – કલાપી
રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?
મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :
– કલાપી
(૨૯-૪-૧૮૯૭)
આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.
આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.
કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…