જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?

–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.

8 Comments »

  1. pragnajuvyas said,

    November 8, 2007 @ 10:49 AM

    કુદરતને ખોળે યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યા,
    શૈલશિખરોના નવા પડકારોને ઉગતા જોયા.
    સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યા તેમાનું આ
    ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
    તેમાં પણ
    ‘સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
    સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?’
    જાણે મેઘદૂતનો યક્ષ કહેતો હોય!
    कस्चित भर्त्या स्मरसि रसिके त्वं ही तस्या प्रियेती?
    ‘કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
    સાગરે ભાસતી ભવ્ય ભરતી.”
    તેમની આ પંક્તિપર મારા પતિ ગંમ્મત કરતા
    પંખીમાં નર કૂજન કરે!
    કે આને ગોપી ગીત કહેવું?
    ‘શરદુદાશયે સાધુજાતસ ત્સરસિજોદરશ્રીમુષા દૃશા
    સુરતનાથ તેડજશુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિં વધઃ’
    કાન્ત એટલે- આપણા ગુજરાતી મીસીસ બ્રાઉનિંગ !
    If thou must love me, let it be for nought
    Except for love’s sake only. Do not say
    સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
    વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:
    અને છેવટનો શિરમુકુટ
    ‘સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
    હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?
    -પ્રતિભાવ લખવાની પંક્તી નથી-અનુભવવાની છે!

  2. Atul Jani (Agantuk) said,

    November 8, 2007 @ 11:21 AM

    પહેલા તો મને આ ગઝલ સમજાઈ જ નહીં. પણ આદરણિય પ્રજ્ઞાજુની કોમેન્ટથી સારો એવો પ્રકાશ પડ્યો.

  3. ભાવના શુક્લ said,

    November 8, 2007 @ 12:33 PM

    તે એ જુએ છે કે ?
    …………………………………………
    આ ‘તે’ શબ્દ કેવો સુદર રીતે પ્રયોજાયો છે અને તે પણ એક હળવા પ્રશ્નાર્થ સાથે. જાણે કોઇ સખીના કાન મા ધીરે થી આંગળી મુકીને પુછાતી હોય વ્હાલમની વ્હાલની ખાતરી!!!!
    ‘કાન્ત’ એ ‘કાન્તા’ બનીને લખ્યુ છે. છતાય ક્યાય કશી ભુલ થતી નથી. સ્ત્રી ની ભાવોર્મીને સ્ત્રીત્વની પુરી નજાકતથી કાવ્યમા ઉતારી લાવવી એ એમની અને કાવ્યની ખુબી બની રહે છે.

  4. ઊર્મિ said,

    November 8, 2007 @ 12:33 PM

    સુંદર મજાનું કાવ્ય…

    ગયા વર્ષે કવિ કાન્તનાં જીવન વિશે મને ગુ.સ.માં સુંદર લેખો વાંચવા મળેલા… જેની લિન્ક મેં એમની જ એક કવિતાની પોસ્ટમાં સંઘરી રાખી હતી… તે આ રહી…
    http://www.gujaratsamachar.com/gsa/20060604/guj/supplement/art2.html
    http://www.gujaratsamachar.com/gsa/20060611/guj/supplement/art2.html
    http://www.gujaratsamachar.com/gsa/20060618/guj/supplement/art2.html

    અને એમની એ \’સાગર અને શશિ\’ કવિતા પણ અહીં વાંચો… http://urmisaagar.com/saagar/?p=21

  5. meena said,

    March 10, 2009 @ 10:39 PM

    મઝા આવિ ગૈ. એક તો ગુજરાતિ બ્લોગ મલિ ગયો ને ગુજરાતિકવિતા સાથે સમ્બન્ધ નુતન થૈ શ્ક્યો સુરેશ દલાલ કવિ કાન્ત માટે લખે ‘ટમે મરુ ભર્યુ ભર્યુ કર્યુ એકાન્ત .’ આ બ્લોગ પણ એજ કામ મારે માટે કરે છે .ઊપરાન્ત ગુજરાતિ કેમ કરિ શકાય તે પણ સમજાય . આબાર્

  6. Abhijeet Pandya said,

    August 17, 2010 @ 11:40 AM

    કિવ કાન્તની આ રચનાને ગઝલનુમા ગીત કહી શકાય પરંતુ ગઝિલયત િસધ્ધ થતી હોય તેવો એકપણ શેર જોવા
    નથી મળતો. શબ્દો પણ મોટેભાગે ગીત અને કાવ્યમાં વપરાતા હોય તેવા ઉપયોગમાં લેવામાં આવ્યા છે. એક
    છંદોબધ્ધ ગીત કહી શકાય પરંતુ ગઝલ તો નહીં જ.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  7. ABHIJEET PANDYA said,

    October 30, 2010 @ 3:43 AM

    પ્રીય િવવેકભાઇ,

    કિવ કાન્ત િવષે કંઇપણ લખવા માટે હું મારી જાતને અયોગ્ય ગણું છું. કોઇપણ સાિહત્યકારની
    રચનાની ટીકા કરવાનો મને જરા પણ હક નથી. લયસ્તરો ઉપર મુકાતી રચનાઓ માણવા માટે
    મુકાય છે. ઉપરોકત કમેન્ટ અન્ય કોઇ વ્યિક્ત દ્વારા કરવામાં આવી છે. અિભજીત પંડ્યા દ્વારા
    નિહં.

    અિભજત પંડ્યા ( નવોિદત ગઝલકાર , ભાવનગર). (૯૮૭૯૫૩૬૪૬૪).

  8. લયસ્તરો » તું એકલી નથી – વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા) said,

    December 3, 2011 @ 12:32 AM

    […] છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment