તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

અતિજ્ઞાન – કાન્ત

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

– કાન્ત

પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!

12 Comments »

  1. munira said,

    April 2, 2012 @ 3:58 AM

    અહો, અદભૂત!!!

  2. Hasit Hemani said,

    April 2, 2012 @ 4:12 AM

    આપણા પુરાણો તથા ધાર્મિક ગ્રંથોમાં ઘણા દ્ર્ષ્ટાંતોના ગર્ભિત અર્થો હોય છે. જેમકે દિકરાઓથી થતી ભૂલોના પરીણામો જાણવા છતાં વડિલો તેમને વારી નથી શકતા કારણકે નવી પેઢીને માબાપની સલાહ સાંભળવી ગમતી નથી. ત્યારે તેઓની હાલત સહદેવ જેવી થાય છે.
    જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
    શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

  3. vijay shah said,

    April 2, 2012 @ 7:22 AM

    અદભૂત

  4. વિવેક said,

    April 2, 2012 @ 9:04 AM

    સુંદર અને જેમ તીર્થેશે કહ્યું એમ હૃદયદ્રાવક ! કવિનો છંદોલય પણ એવો જ આહ્લાદક છે…

  5. Purvi said,

    April 2, 2012 @ 12:42 PM

    કવિ કાન્તનું એક સુંદરતમ ખંડકાવ્ય!!

  6. Dhruti Modi said,

    April 2, 2012 @ 2:16 PM

    અતિ સર્વત્ર વર્જયેત્…..

    સહદેવનું અતિજ્ઞાન જ ઍના દુઃખનું કારણ થયું. કવિ કાન્તનું ન ભૂલાય ઍવું ઉત્તમ ખંડકાવ્ય.

  7. P. Shah said,

    April 2, 2012 @ 10:52 PM

    એક સુંદર ગમતું ઉત્તમ ખંડ કાવ્ય !
    એક વિશિષ્ટ છંદોલય !

  8. મદહોશ said,

    April 4, 2012 @ 11:59 PM

    કવિ પણ એ પિડા ને સાક્ષાત અનુભવે છે ત્યારે આવી ઉત્તમ રચના પેદા થાય છે. પ્રસંગ નવો નથી પણ સહ્દેવ ની મનઃ સ્થિતી કેટલી અંભીજ્ઞ છે.

    ખરેખર હદય દ્રાવક…

  9. ડેનિશ said,

    April 5, 2012 @ 11:06 AM

    મારા પ્રિય-તમ કવિ કાન્તનું ઉત્તમ જ નહીં કિન્તુ, ગુજરાતી ભાષાનું ‘અમર’ ખંડકાવ્ય !
    મજાની વાત એ છે કે આવું પ્રશિષ્ટ અને પ્રૌઢ કાવ્ય કાન્તે ૨૧ વર્ષની યુવાન વયે સર્જ્યું હતું !

  10. pragnaju said,

    April 5, 2012 @ 11:48 AM

    સ રસ
    જાણે આપણી વાત

  11. jaydeep said,

    August 31, 2012 @ 2:08 PM

    હુ કવિ કન્ત વિશ અભ્યસ કરુુ તો અન વિસે મને કોમેન્તો મોકલ્શો

  12. Nirav Pansuriya said,

    July 17, 2013 @ 7:39 PM

    મને આ કાવ્ય વિશે થોદિ પન્ક્તિ સેન્દ કરો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment