રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.
- વિવેક મનહર ટેલર

દેખાતા નથી – ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.

લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.

એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.

શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..

ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

5 Comments »

  1. Agan Rajyaguru said,

    January 4, 2025 @ 1:58 PM

    વાહ…સ્વાગત…
    અભિનંદન💐💐💐

  2. Ramesh Maru said,

    January 4, 2025 @ 2:54 PM

    વાહ…સુંદર ગઝલ…

  3. Shailesh Gadhavi said,

    January 4, 2025 @ 2:59 PM

    વાહ,
    કવિશ્રીના નૂતન સંગ્રહનું સહૃદય સ્વાગત 💐💐

  4. લતા હિરાણી said,

    January 4, 2025 @ 3:53 PM

    કવિને અભિનંદન

  5. Varij Luhar said,

    January 4, 2025 @ 4:21 PM

    વાહ.. સરસ ગઝલ…’ તમારા માટે ‘ને
    આવકાર અભિનંદન શુભકામનાઓ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment