ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું! – નીતિન વડગામા
અગમ-નિગમના એ અણસારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
અલખધણીના એક વિચારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
હોય ભલે ના સન્મુખ તોયે ડગલુંયે ક્યાં દૂર થયા છે?
ભીનાભીના કૈં ભણકારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
એક શબદ ઉચ્ચારે નહીં ને મૌન રહી સઘળું કહી દેતા,
આંખોના એકાદ ઈશારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આગ બધી અંદરની આપોઆપ જ અહીં ઓગળવા લાગી,
વરસાદી હૈયાની ધારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આમ જુઓ તો સાવ અકિંચન, સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે, ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
– નીતિન વડગામા
લયસ્તરો પર કવિના તરોતાજા ગઝલસંગ્રહ ‘એકાકાર’નું સહૃદય સ્વાગત છે…
આમ તો આખી ગઝલ જ સંઘેડાઉતાર થઈ છે પણ છેલ્લો શેર મને ગઝલ વાંચી લીધા પછી પણ પકડી જ રાખે છે. સરસ્વતીના અકિંચન સાધક પાસે નથી કોઈ સ્થાવર મિલકત કે નથી કોઈ જંગમ ખજાનો. પણ દારિદ્રયના આ સહજ સ્વીકાર પછી કવિ જે વાત કરે છે એ શેરને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. નિજના ગુંજામાં વામન ભાસતા શબ્દો સિવાય કશું જ ન હોવાની કેફિયત અવતાર શબ્દ સાથે જ ત્રણેય લોકને આંબી લે એવું વિરાટકાય સ્વરૂપ ધારે છે. વિષ્ણુના વામન અવતારનો કેવો અસરદાર વિનિયોગ કવિએ કરી બતાવ્યો! શબ્દબ્રહ્મમાં અપાર આસ્થા હોય એ જ કહી શકે કે શબ્દોના સથવારે પોતે ક્યાંના ક્યાં જઈ બેઠા છે, ખરું ને!
Ramesh Maru said,
January 9, 2025 @ 12:24 PM
બહોત ખૂબ…
Bharat vinzuda said,
January 9, 2025 @ 12:51 PM
વાહ.. શુભકામનાઓ..