સ્વાગત-સપ્તાહ :૦૫: આંગણ આપો – નીતિન પારેખ
આખેઆખું આભ નહીં તો આંગણ આપો,
મેળો ના આપો તો મનગમતું જણ આપો.
પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો,
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો.
કાન દઈને સાંભળીએ બસ વાત તમારી?
અમને પણ કંઈ કહેવા જેવી તો ક્ષણ આપો!
ધીરે ધીરે આંસુ સાથે સરકી જઈશું,
નેહ નહીં તો નયનોનું આ આંજણ આપો.
વિરહ નામના વિષના ઘૂંટડા ક્યાં લગ પીશું!
ઝેર ભલે આપ્યું પણ એનું મારણ આપો.
– નીતિન પારેખ
લયસ્તરો પર કવિના તાજા સંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ની આગતાસ્વાગતા કરીએ…
માંગણીનો પનો જેટલો ટૂંકાવી શકાય, જીવન એટલું જ સુખસભર બને. આ વાત કહેતી કવિતાઓ તો ઘણી જડી આવશે. પણ અહીં વાત જરા નોખી છે. અહીં તો આખેઆખું આભ મળે તો એય ગુંજે ભરવાની તૈયારી છે. પણ હા, સકળના સ્વીકારની તત્પરતાની હારોહાર જ સકળ ન મળે તો કેવળ એક આંગણથી ચલાવી લેવાની સજ્જતા પણ છે. ઝંખના તો મેળાભર માનવમહેરામણને ચાહવાની છે, પણ એના વિકલ્પે કેવળ એક મનગમતી વ્યક્તિથી ચલાવી લેવાની તૈયારી પણ છે. બીજો શેર પણ એવો જ જાનદાર થયો છે. સરવાળેઆખી ગઝલ જ આસ્વાદ્ય.
Aasifkhan Pathan said,
April 18, 2025 @ 11:16 AM
વાહ સરસ ગઝલ
કવી ને અભિનંદન અને શુભેચચ્છાઓ
Kishor Ahya said,
April 18, 2025 @ 11:49 AM
કવિ શ્રી નીતિન પારેખ ના ગઝલ સંગ્રહ ‘અજવાળાની ક્ષણ ‘ નું સ્વાગત છે.
કવિની’ આંગણ આપો ‘ગઝલ વાચતા મનમાં થાય છે કે આપણે સહુ પણ આજ રીતે પ્રભુ પાસે જતું કરવાની ભાવનાઓ સાથે માંગણીઓ કરતા શીખી જઈએ તો કેટલું સારું? ભાર હળવો થઈ જાય. દસ લાખ જોઈએ છે પ્રભુ! કેટલા? દસ હજાર! સારું, હોય તેટલા ચાલશે. આભ જોઈએ, ન થાય તો આંગણું આપો.
મનુષ્ય નો મેળો જોઈએ છે કોઈ ગુલાબ, કોઈ ચંપો, જૂઈ , પણ ન બને તો એકાદ ફૂલ તો આપો જ.
એકાદ માણસ તો એવું હોવું જોઈએ મારી પાસે કે જે મને મનગમતું હોય. લાખો માણશો વચ્ચે હોવા છતાં મનુષ્ય આજ પોતાને એકલો હોવાનો અનુભવ કરે છે આનું કારણ શું? કોઈને મનગમતું માણસ મળતું નથી. અને હા, મનગમતું મળ્યું હોય તો પણ શું? અસ્તિત્વ ગતિશીલ છે અહીંયા બધું બદલાયા કરે છે, ગમતું માણસ ક્યારે ન ગમતું થઈ જાય એ કહેવાય નહિ તેથી કવિ જે માંગણી કરે છે તે કોઈ કાયમી ઉકેલ નથી છતાં પણ રાહતની વાત તો છે જ.
પાંચ શેર વાળી ગઝલમાં કવિએ જીવંત પ્રશ્નો છેડ્યા છે કવિ પ્રેમ નામના રસ્તા ની વાત કરે છે એ અંત વિનાનો કેમ છે? થોડી સમજણ આપો.
પ્રેમ નો અંત નથી એટલેજ તો અસ્તિત્વ ટકી રહ્યું છે.સંત કબીરે કહ્યું છે ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે તો પંડિત હોય! દુનિયામાં જીવવાનો સાર શું છે? એક શબ્દ માત્ર પ્રેમ. મનુષ્યનું હોવું એટલે પ્રેમ આપવો અને પ્રેમ મેળવવો. આ સમજણ જેને મળી ગઈ તેને બીજી કોઈ સમજણની જરૂર રહેતી નથી.
કવિના બધાજ શેર ધાર દાર છે છેલ્લી શેર તો બહુજ સુંદર છે વિરહ નામના વિષના ટુકડા ક્યાં સુધી પીશું! વિષ ભલે આપ્યું, પણ એનું મારણ આપો. વાહ! વાહ!
ઝેરનું મારણ ઝેર અને પ્રેમનું માંરણ પ્રેમ! વિરહ છે તો વિષ છે પણ એનું મારણ પ્રેમ છે, ક્યાંય થી પણ પ્રેમ શોધી લો..વિષ પણ અમૃત બની જશે ,જીવનમાં પ્રેમ હશે તો દુનિયાને દેખવાની દૃષ્ટિ આપોઆપ બદલાશે.માફ કરવાની શકિત ખૂબ વધશે.
ખુબ સરસ ગઝલ છે કવિ ને સુંદર રચના આપવા માટે ધન્યવાદ! વિવેકભાઈ ના આસ્વાદ ને વખાણીએ એટલું ઓછું પડે!
Neha said,
April 18, 2025 @ 11:52 AM
વાહ! સરસ ગ઼ઝલ..