સામે કાંઠે- – ચંદ્રકાન્ત શાહ
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?
આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!
શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?
કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?
કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?
સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?
મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
– ચંદ્રકાન્ત શાહ
કેટલાક માણસ જનમથી જ બહારવટિયા હોય છે. સમાજની પ્રસ્થાપિત ગલીઓમાં એ શ્વાસ જ લઈ ન શકે. ઘરેડમાં ચાલતી વસ્તુઓને તહસનહસ કરી પોતાની રીતે કંઈક નવું ન નીપજાવે ત્યાં સુધી એમને ધરવ જ ન થાય. ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ આવા જ એક સર્જક હતા. એમની આ રચનાને જરા ધીરજપૂર્વક ચકાસીએ તો કવિએ ગીત જેવું કંઈક લખ્યું હોય એમ પ્રતીત થાય. બે પંક્તિનું મુખડું, બે બંધ અને મુખડા સાથે પ્રાસ મેળવવાની મથામણ કરતી બે પૂરકપંક્તિઓ; લય પણ ગીતનો-પણ શું આને આપણે ગીત કે અનુઆધુનિક ગીત કહી શકીએ ખરા? ગીતના બંધની બે કડી વચ્ચે પ્રાસ મેળવવામાં આવે એ જ રીતે કવિએ ‘અહીં’-‘નહિ’ તથા ‘સાંભળવાનું’-‘મળવાનું’ વચ્ચે પ્રાસના અંકોડા તો મેળવ્યા છે,પણ આવર્તનોની સંખ્યા વચ્ચે તાલમેળ જાળવ્યો નથી. એ સિવાય લયમાં પણ ક્યાંક ક્યાંક ખાંચા રહી ગયા છે. આને ગીત કહીએ કે ગીતેવ- એ નક્કી કરવાનું કામ વિવેચકો પર છોડી દઈ આપણે કવિતા ઉપર ધ્યાન આપીએ… એકવાર-બેવાર-ત્રણવાર – જેમ જેમ આ કવિતા મમળાવતા જઈશું તેમ તેમ એ વધુને વધુ ગમતી જશે એની ગેરંટી…
Saras said,
April 24, 2025 @ 11:45 AM
સરસ
Kishor Ahya said,
April 24, 2025 @ 9:25 PM
સામસામા એકબીજાને દેખી શકે તેવા દૃશ્ય મૂકી કવિએ કાગળ જેવા શબ્દો રૂપકો યોજી કવિએ સરસ ઊર્મિ કાવ્ય લખ્યું છે. 1956માં જન્મેલા ( 1956થી 1923) ચંદ્રકાન્ત (અથવા ચંદુ) શાહ બોસ્ટન સ્થિત ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા
કવિતા પ્રત્યે કાયમી આકર્ષણ ધરાવતા આ કવિ પાસેથી બે ખૂબ પ્રશસ્ય કાવ્યસંગ્રહો મળે છે :
1.અને થોડા સપના
2.બ્લુ જીન્સ
‘સામે કાંઠે ‘ એક આગવી શૈલીમાં લખેલ કાવ્ય કે કાવ્ય જેવી અછાંદસ રચના છે. આવી રચના સાધારણતા રૂપકો દ્વારાજ થઈ શકે .કવિનું આ ઊર્મિ કાવ્ય દરેકને સમજવું મુશ્કેલ પણ પડે તેવું છે.પણ થોડી લય ,થોડો છંદ ને થોડો અછાંદસ મિશ્રિત આ કૃતી ખૂબ સરસ છે.


વિવેક said,
April 25, 2025 @ 11:01 AM
@ કિશોર આહ્યા:
આ રચના અછાંદસ નથી… એનું બંધારણ મેં લખ્યું છે એમ ગીત જેવું જ છે, અને ગીતમાં વપરાય એ રીતે કવિએ ગીતમાં વપરાય એ રીતે આઠ-આઠ માત્રાના આવર્તન (અષ્ટકલ) વાપરી લયની સરસ ગૂંથણી પણ કરી છે. બે-ત્રણ જગ્યાએ લય થોડો કાચો પડે છે એ સિવાય આખી રચના લયબદ્ધ જ છે.
આપ જે રીતે કવિતાના હાર્દમાં ઊંડા ઉતરો છો એ જોઈને ખુશી થાય છે, કારણ કે સોમાંથી સાડી નવ્વાણું વાચકો કેવળ વાહ વાહ લખીને આગળ વધી જાય છે..
Kishor Ahya said,
April 25, 2025 @ 2:34 PM
આભાર, વિવેકભાઈ,
રચનામાં થોડો છંદ કાચા પડયા હોય એવું બનતું હોય છે અને સારા સારા કવિઓ થી પણ કોઈકવાર ભૂલો થતી હોય છે.અછાંદસ અલગ પ્રકાર છે આપની વાત સાથે સહમત છું.