કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

(આ નયન) – નયન હ. દેસાઈ

ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.

કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.

રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.

ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.

ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.

– નયન હ. દેસાઈ

એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…

9 Comments »

  1. Aasifkhan Pathan said,

    May 9, 2025 @ 10:55 AM

    ખૂબ મજાની ગઝલ

    વાહ

  2. DILIPKUMAR CHAVDA said,

    May 9, 2025 @ 12:29 PM

    વાહ નયન ભાઈ વાહ
    એમના નામને સાર્થક કરતી ગઝલ

  3. લલિત ત્રિવેદી said,

    May 9, 2025 @ 12:31 PM

    બેશક અદભુત કવિ આ નયન…. આપણૅ એમનું સુયોગ્ય સન્માન ના કરી શક્યા… વંદન

  4. Varij Luhar said,

    May 9, 2025 @ 1:07 PM

    ખૂબ સરસ

  5. Kishor Ahya said,

    May 9, 2025 @ 1:29 PM

    ‘આ નયન ‘ શ્રી નયન દેસાઈ નું આ કાવ્ય તેમણે બચપણની યાદમાં લખ્યું છે . ખુબજ હળવાસ અને અને મોજ થી લખ્યું છે, નયન! કોણ નયન? બાળપણમાં રસ્તામાં ઠોકરો ખાતો, કૂવે પાણી સીચતો, ઝૂલામાં ઝૂલતો,ચકલીઓની જેમ ચી ચી ચીચીયારીઓ કરતો ‘આ નયન’. નક્કી આ ગામડાંના નયનનું વર્ણન છે. અત્યારે ચાર ફૂટ પાંચ ઇંચના નયનભાઈ ક્યાં છે? કવિ કહે છે ટ્રાફિક ની ચીસોમાં ગુમ થઈ ગયા છે! એટલેકે શહેરમાં આવી ગયા છે. કવિતા વાંચતા આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય તેવું કાવ્ય છે. ખુબજ મજાનું.

    બાળપણ કોને ન ગમે?આપણે બધાએ કેટલીય કવિતાઓ અને લેખો બાળપણની મધુર યાદગીરીના, રખડપટ્ટીની મજાના! વગેરે વાચ્યા કે સાંભળ્યા છે, ત્યારે પ્રશ્ન થાય છે કે ખરેખર બાળપણ આટલું સુંદર હશે ખરું?

    મને લાગે છે, બાળપણ એ ભૂતકાળ છે અને મનુષ્યને કોઇપણ બાબત હોય, ભૂતકાળ હમેશા ગમતો હોય છે. પ્રેમ ની વાત કરો, વર્ષો!, ક્યારેક અર્ધી સદી પહેલાનો પ્રેમ યાદ કરીએ છીએ પણ એ વખતે જો પ્રેમ આટલો સુંદર લાગ્યો હોત તો આવી જુદાઇની ઘડી આવીજ ન હોત! જોકે એમાં પરિસ્થિતિ અને અપવાદોને સ્થાન જરૂર છે.

    ઇશ્વરે મનુષ્યનું મન એવું બનાવ્યું છે કે તે હમેશા સુખદ સ્મૃતિઓ યાદ રાખે છે દુઃખદ સ્મૃતિઓ ભૂલી જાય છે ,નહીતો મનુષ્ય દુઃખદ સ્મૃતિઓ થી એટલો બધો ભરાય જાય કે જીવન જીવવું મુશ્કેલ બની જાય! એથીજ ભૂતકાળની દુઃખદ સ્મૃતિઓ બહુ યાદ કરીએ તો જ યાદ આવે છે અને સુખદ સ્મૃતિઓ હમેશા તાજી રહે છે. નહીતો બાળપણ એટલે પરાધીન જીવન, નાની નાની વાતમાં પણ હુકમ મુજબ ચાલવાનું; પછી ભલે એ બાળક ને ગમતા હોય કે નહી તેની કોઈ ચિંતા નહી.આવા સમયે બાળક હમેશા એવુંજ વિચારતો હોય છે કે બસ ક્યારે હું મોટો કે મોટી થઈ જાવ!

    ભલે, બધા માટે આ વાત સત્ય ન પણ હોય, આપવાદ ને બધીજ જગ્યાએ સ્થાન હોય જ,પણ કાવ્ય ને લગતું હોય, થોડું વિવેચન કર્યું છે. આપણે ઇચ્છીએ કે કવિ શ્રી નયન હ.દેસાઈ નું બાળપણ તેમના કાવ્યમાં છે તેવુંજ ખૂબ સુંદર હોય અને સાચેજ હશે કેમકે જે આજે હસી શકે છે તે બાળપણમાં હસ્યા જ હશે, અને આજનો જન્મ ગઇકાલમાંથી તો થાય છે!

    મને લાગે છે આપણને બાળપણ ખુબજ ગમે છે તેનું એકજ કારણ કે ચિંતામુક્ત જીવન.વિચારોનો કોઈ ભાર નહી.આજે સમગ્ર મનુષ્ય જગત માનસિક તણાવમાં છે અને સહેલાયથી છુટકારો સંભવ પણ નથી દેખાતો, પણ આજનો સમય થોડા વર્ષો પછી આપણને સુખદ લાગશે! અને આપણે તેને વખાણીશું! આ એક ચર્ચાનો વિષય છે, કેટલાક અભિપ્રાય અલગ હોય શકે છે, મેં ફ્કત મંતવ્ય આપ્યું છે.

    આસ્વાદમાં વિવેકભાઈ એ કવિનો સરસ પરિચય કરાવ્યો છે. સરસ આસ્વાદ.

    🌹🌹

  6. જયેશ ભટ્ટ said,

    May 10, 2025 @ 7:18 AM

    મસ્ત ગઝલ

  7. Jigisha Desai said,

    May 10, 2025 @ 7:19 AM

    Ahha…mast gazal

  8. જયેશ ભટ્ટ said,

    May 10, 2025 @ 7:19 AM

    અદ્દભૂતા સંવેદનાની ગઝલ

  9. જયેશ ભટ્ટ said,

    May 10, 2025 @ 7:24 AM

    શૈશવનાં કલરવથી , નગરનાં ધોંધાટ સુધીની ચીસની અદ્દભૂત બાની

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment