તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
મરીઝ

એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે
સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની
વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

અંધારું ગમે એટલું સર્વવ્યાપી અને ગહન કેમ ન હોય, નાનામાં નાનો એક દીવો સળગ્યો નથી કે એનો omniscient ego ક્ષણાર્ધમાં હણાઈ ગયા વિના રહેતો નથી. અંધારામાં પોતપોતાનું અસ્તિત્ત્વ ગુમાવી બેઠેલ તમામ ચીજોને એ પોતાનું મૂળ સ્વરૂપ ફરી અપાવે છે, અને તોય કોઈ અપેક્ષા રાખ્યા વિના એ મહાદાની ચુપચાપ બીજાઓ માટે જાતને બાળવાનું ચાલુ રાખે છે. આ વિદ્યા એને ક્યાંથી સાંપડી અને કયા ગુરુની કૃપાથી એને આ તપસ્યા ફળી એ કળવું શક્ય નથી. દીવાનું આયુષ્ય ટૂંકું છે પણ જે ક્ષણે એ પ્રકટે છે, એ એક ક્ષણને કવિ શાશ્વત પળ કહીને કવિ એનો જે મહામહિમા કરે છે, ત્યાં સાચી કવિતા સિદ્ધ થઈ છે…

દિવાળીના આ પર્વ પર બસ, કોઈના જીવનમાં વ્યાપ્ત અંધારું દૂર કરી શકીએ તો ઘણું…

2 Comments »

  1. pragnajuvyas said,

    November 6, 2021 @ 9:16 AM

    કવિશ્રી રપાની પ્રેરણાદાયી રચના
    અંધકાર સામે લડવાની
    વિદ્યા ક્યાંથી મળી?
    કિયા ગુરુની કૃપા થકી
    આ રીત તપસ્યા ફળી?
    હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…
    વાહ્

  2. જયેન્દ્ર ઠાકર said,

    November 6, 2021 @ 3:27 PM

    …પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!
    …હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…
    તેજની આ જ એક ખુબી છે કે તે તિમીરને દુર કરી સત્યને પ્રગટાવે છે. રપા આ હકીકતને બહુજ સરળતાથી સમજાવે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment