રપા અપાર વરસે :૦૭: વરસાદ
વરસાદ મૂવો વંડીની બે બાજુ વરસે હો!
વરસે છે એક બાજુ ધકધકધક ધકધકધક, એક બાજુ ધીણોધીણો રે
ગોકીરા કરતું મન ચોકમાં છોગાળા છાંટાને વીણો વીણો રે
આજે હું કોકને અમસ્થીક સાંભરું તો મને કોક સાંભરશે હો!
હોમ હોમ હોમાઈ જૈયેં માલીપા એવો જળનો જઘંન મૂવે માંડ્યો,
ધોધમાર ધારે એણે પાછલા ઉનાળાને સાંબેલે-સાંબેલે ખાંડ્યો!
અમને ઉનાળાની કૂંપળ ફૂટી’તી એની વાતું એ ક્યાંક જઈ કરશે હો!
– રમેશ પારેખ
રપાના ખજાનામાં વરસાદના અનેક મોતી ભર્યાં પડ્યાં છે. “રપા અપાર વરસે” સપ્તાહની માંડણી કરી ત્યારે લયસ્તરો પર આ અગાઉ ર.પા.ના જેટલા વર્ષાકાવ્યો મૂકાયાં હતાં એની યાદી આપી હતી… આખું ચોમાસું ચાલે એટલાં ધોધમાર ગીતો હજી બાકી પડ્યાં છે, આરંભ એનો અંત, ખરું ને? ઉત્સવ કે ઉત્સાહ – બધાયનો હંગામી તો હંગામી પણ અંત તો આવે જ ને! લયસ્તરો પર “રપા અપાર વરસે” શ્રેણી અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી આપણે વર્ષાગીતોમાં મનભર ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ વર્ષા-ઉજવણી સપ્તાહની હાલ પૂરતી સાતમી અને આખરી કડી…
આજે આ ગીત વિશે અમે વાતો નહીં કરીએ, હોં… આજે તો આપ સહુ જ વરસો મનભરીને…


અગન રાજ્યગુરુ said,
July 12, 2026 @ 11:15 AM
અહા….
Vrajesh Mistri said,
July 12, 2026 @ 11:57 AM
ઉનાળે કુંપળ.. વાહ..
રાજેન્દ્ર ભટ્ટ said,
July 12, 2026 @ 12:14 PM
ધોધમાર વરસાદમા તરબતર ભિન્જવવા બદલ વિવેકભાઈ નો દિલ થી આભાર
kantilal babulal sopariwala said,
July 12, 2026 @ 6:51 PM
વરસાદ ના દિવસો માં ખુબજ યાદ આવે અમોને
આપણી સુંદર રચના
Harihar Shukla said,
July 13, 2026 @ 7:18 PM
રપા વરસે “હો”👌