ઇચ્છાનો ઘરફોડુ – બકુલેશ દેસાઈ
હોવાનો આ બોજો બનતો કમ્મરતોડુ,
સ્વપ્નોની ગઠરીને બોલો, ક્યાંથી છોડું?
ધોળે દિવસે સંદૂક આખી તળિયાઝાટક!
કોણ હશે એવો તો ઇચ્છાનો ઘરફોડુ?
સુકકા શ્વાસોપાલવની ડાળી સંગાથે-
અવસરની કૂંપળનું કેવું થાય કજોડું!
હર્યોભર્યો રહેતે જીવતરનો બાગ હંમેશાં,
ના ફૂંકાયું હોત સમયનું વાવાઝોડું.
ભરચકતાને સામે કાંઠે આણ છે મારી,
પગરવના અણસારે પણ હું મોં મચકોડું.
– બકુલેશ દેસાઈ
કવિ લખે છે: ‘લખવું એટલે તલખવું… લખવું એટલે તણખવું… તલખવાથી માંડીને તણખવા સુધીની પ્રક્રિયા દરમ્યાન જ ક્યાંક, ક્યારેક, કોઈક રીતે ગઝલનો ભેટો થઈ જાય છે.’ આવી જ કોઈક તલખવા અને તણખવાની પ્રક્રિયા દરમિયાન કવિને ભેટી ગયેલ એક ગઝલ તે આ. આ દુનિયામાં ટકી રહેવું, જીવવું એ જ મોટો પડકાર છે. કમ્મર તોડી નાંખે એવા હોવાપણાંના બોજને વેંઢારવામાંથી જે માણસ નવરો ન પડતો હોય એ સપનાંની પોટલી ખોલે તોય શી રીતે? બીજા શેરમાં જે મજા છે એ ભાષાની છે. ધોળા દિવસે-સંદૂક-તળિયાઝાટક-ઘરફોડુ –પળાર્ધમાં તો ઘરચોરીનું આખું ચિત્ર નજર સામે તરવરી રહે છે. પણ આ ચોરી ઇચ્છાઓની થઈ છે, એમ કવિ કહે છે ત્યારે આ ચિત્ર શેરમાં પરિણમે છે. ત્રીજા શેરમાં આસોપાલવના સ્થાને કવિએ શ્વાસોપાલવ શબ્દ કોઇન કર્યો છે એ ધ્યાનમાં આવે તો લળી લળીને સલામ કરવાનું મન થાય. સુક્કા ઝાડ પર લીલી કૂંપળ ફૂટે તોય કઈ રીતે? ને ફૂટે તો એ કજોડું ન લાગે? કેવો અદભુત શેર! ચોથો શેર પણ સરસ છે, પણ પહેલા ત્રણ શેરની ઊંચાઈએ પહોંચતો નથી. કવિને એકલતા અને એકાંત એવા રાસ આવી ગયા છે કે જે કાંઠે ભરચકતા છે એના સામા કાંઠે જઈ વસ્યા છે. સામા કાંઠે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનના ન્યાયે એમની આણ પણ પ્રવર્તી રહી છે. સરવાળે, નિરાશા, અપ્રાપ્તિ અને એકલતાની મુસલસલ ગઝલ

