કબરનાં ફૂલ – અસર સુરતી
વરસી રહ્યાં છે નિજ ઉપર એની નજરનાં ફૂલ;
લાવી શક્યાં છે રંગ આ મારી ‘અસર’ નાં ફૂલ.
કોનાં કદમ પડે છે આ ખામોશ શહેરમાં?
તાજાં ફરીને થઈ ગયાં મારી કબરનાં ફૂલ.
જીવી રહ્યો છું એમ આ દુનિયાના બાગમાં:
કચડાય જેમ પગ તળે કો પાનખરનાં ફૂલ.
ઈન્સાનિયત છે ક્યાં હવે ઈન્સાનમાં ‘અસર’?
લાગે છે માનવીઓ તો ખુશ્બુ વગરનાં ફૂલ !
– અસર સુરતી
કેવળ મક્તાના બદલે કવિએ પોતાના તખલ્લુસને ગઝલના મત્લા અને મક્તા બંનેમાં વાપર્યું છે. પહેલા બે શેર તગઝ્ઝુલના અને ત્રીજો-ચોથો શેર હળવી ભાષામાં સાંપ્રત-ચિંતનાત્મક મિજાજે રંગાયેલ છે. પ્રેમીને જોતાં જ પ્રેમિકાની નજર શરમથી યા અન્ય કોઈપણ કારણથી નીચે ઢળી જાય છે એ વાત કવિએ હલકાફૂલકા અંદાજમાં પેશ કરી છે. પ્રેમીની ઉપસ્થિતિમાં પ્રેમિકાના બદલાયેલ રંગ જોતાં જ મિર્ઝા ગાલિબ પણ સ્મૃતિપટલ પર તરવરે:
मत पूछ कि क्या हाल है मेरा तिरे पीछे
तू देख कि क्या रंग है तेरा मिरे आगे
પ્રિયપાત્ર શહેરમાં પ્રવેશે અને પ્રેમીની કબર પરનાં ફૂલ ફરી તાજાં થઈ ઊઠે એ કલ્પન સહજ છે, પણ ખરી મજા શહેર આખાના ખામોશ હોવાની છે. પ્રેમીના નિધન પર આખું શહેર અવાક્- સાક્ષાત કબર સમું થઈ ગયું છે. નગર ખામોશ હોવાથી પદચાપ કબરની અંદર સુધી પહોંચે છે અને અસર કબર પરનાં ફૂલો સુધી. ‘ખામોશ’ શબ્દ શેરને ‘બોલતો’ કરે છે, ખરું ને! ત્રીજા ચોથા શેર સાધારણ છે. પણ ગઝલસાગરને સદૈવ ભર્યોભાદર્યો રાખનાર મરજીવાઓનું તર્પણ કરવું એ આપણી ફરજ ખરી ને!


Harihar Shukla said,
October 9, 2026 @ 11:28 AM
સરસ ગઝલ. પહેલા શેરના મિસરા માં મૂકેલ શબ્દ નિજના ખૂબ ગમ્યો.