સવા શેર : ૦૬ : – રાજેન્દ્ર શુક્લ
શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક!
– રાજેન્દ્ર શુક્લ
આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય એવી રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલના સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે. એ મુસલસલ ગઝલનો આ સાતમો અને આખરી શેર. લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેરની પોતાની મૌસિકીમાં મહક-અનલહક, મુ-સલ-સલ જેવા અ-મ-સ-લ વગેરે વ્યંજનોના અનુરણનથી અદકેરો ઉમેરો થયો છે.
નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એમનું ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો. તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય અને અંતિમ ચરણ હકીકત એટલે સત્યની પ્રાપ્તિ અને ખુદને ખુદામાં ફના કરી લેવાની વાત. દ્વૈતભાવ અહીં મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગણી એમને અત્યંત ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને દફનના સ્થાને અગ્નિદાહ અપાવ્યો. ભજનસાદૃશ ગઝલના આ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોના સંસ્પર્શ, સૂફી વિચારધારા અને ‘અનલહક’ની ઉપસ્થિતિના કારણે અલગ જ ‘ફ્લેવર’ રચાઈ છે. કવિએ ‘આનન’ અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે.
શબોરોઝ યાને કે રાત-દિવસ એની મહેંક અનવરત રેલાતી રહે છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો, ભક્ત કહો કે બંદો કહો; મનુષ્ય સદૈવ સર્જનહારનો સાક્ષાત્કાર ઝંખતો આવ્યો છે. અને ખુદાના બંદાને આ સાક્ષાત્કાર પળેપળ થતો રહે તો જીવનમાં બીજું કંઈ બાકી રહે ખરું?! દિનરાત એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો જ્યારે થાય ત્યારે મુખમાં સતત ‘હું જ બ્રહ્મ છું’ની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.
Kajal kanjiya said,
January 9, 2021 @ 1:03 AM
Wahhh
Anil Vala said,
January 9, 2021 @ 1:21 AM
યે બાત
Aasifkhan said,
January 9, 2021 @ 1:54 AM
વાહ વાહ
Hiteshkumar 'Tapsvi' said,
January 9, 2021 @ 3:44 AM
વાહ વાહ ક્યાં બાત હૈ
pragnajuvyas said,
January 9, 2021 @ 10:02 AM
મા કવિશ્રી રાજેન્દ્ર શુક્લનો અદભૂત ગઝલ દાહોદના ”સ્વપ્ન”નામના ઘરમા પ્રાકટ્ય બાદ અનેક બ્લોગોમા રજુ થઇ. સ્વ પરેશ જેવા અનેક ગાયકોએ સ્વર આપ્યા અને અનેકોએ આસ્વાદ કરાવ્યો.
સ્વ. પરેશને અંજલિ આપતા મા રાજેન્દ્રભાઇએ એટલું જ કહી શકાયું હતું, ‘જેમ મળતો હતો એમ જ મળતો રહેજે કાંઈક સોક્ષ્મ સ્તરે….’
એક વખત સ્વપ્નના સ્તરે મળ્યો પણ ખરો, મેં પૂછ્યું, ‘પરેશ, શરીર વિના ગાઈ ન શકાય ?’
એણે કહ્યું, ‘ગાઈ શકાય, હું ગાઉં જ છું ને !’
મેં કહ્યું, ‘પણ સંભળાતું નથી…’
એ કહેં, ‘સંભળાશે, એ જરા અઘરું છે.’
બસ, એણે કહેલું એ અશરીરી ગાન સંભળાય તેની રાહ જોયા કરું છુ.
યાદ આવે એક વાર લયસ્તરો પર ‘અનહલક = ?હલક(કંઠ, સૂર) વગરનું-ઠીક નથી લાગતું.’કોમેંટ આપતા તે સુધારી લેવાયુ હતુ.
આજનો સવા શેર આસ્વાદ વારંવાર માણી ધન્ય ધન્ય
Poonam said,
January 9, 2021 @ 10:32 AM
Sufiyana… Sher… Waah ! Parato
Aaswad pan sundar sir ji 👌🏻
Maheshchandra Naik said,
January 9, 2021 @ 3:57 PM
સુફી શેરનો અધ્યાત્મિક આસ્વાદ……….ડો. વિવેક્ભાઈને અભિનદન…..
વિવેક said,
January 11, 2021 @ 8:24 AM
પ્રતિભાવ પાઠવનાર સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
આરતીસોની said,
January 17, 2021 @ 2:04 AM
સરસ.આસ્વાદ