આષાઢ : વર્ષાને – દેશળજી પરમાર
(વસંતતિલકા)
દેવી, પધાર નિજ મંદિર; દર્શને જો!
ઉત્કંઠ આ અવનિ કોટિક નેત્ર માંડી-
સંતપ્ત સૌ ચપલ અંતરપ્રાણ સાંધી-
મીઠી, તને દુઃખિત શબ્દ વડે વધાવે.
દારિદ્રયનો વિકળ ભાર મિટાવવા જે-
જે પ્રાણવાન અવતાર અપૂર્વ લાવે;
શક્તિપ્રિયા, જગતંની નવજીવની હે-
વર્ષા! થશે સુખદ આપણ સખ્ય સાર્થ.
તું આવજે : મધુર ચૂંદડી નીલવર્ણી
-ને ફૂલના ગલ ભરી મહીં કંકુરંગ્યા-
છાઈશ હું તુજ પર, ગૃહિણી સુદિવ્યા!
આછો ધરીશ શિર ઈન્દ્રધનુષ્ય-મ્હોડ.
ને માતૃજ્યોત મધુરી ઝગશે વિશાળ
તું તેડશે સરસ જે પળ મેઘબાળ.
– દેશળજી પરમાર
કવિ નામનું અકિંચન પ્રાણી હાથમાં કલમ ઉઠાવે ત્યારે વિશ્વકર્માની અડોઅડ ઊભું રહી જાય. જુઓ, આ સૉનેટ. કવિ સાક્ષાત વર્ષાદેવીને આહ્વાન દઈ રહ્યા છે. સંતપ્ત ધરતી એની કરોડો આંખો આભ તરફ માંડીને દુઃખી પણ મીઠી વાણીથી વર્ષાને વધાવતી ઉત્કંઠ બેઠી છે. વર્ષા આવે તો દરિદ્ર જણાતી સૃષ્ટિમાં પ્રાણ ફૂંકાય. નવજીવની શક્તિપ્રિયા વૃષ્ટિ આવે તો ધરતી અને વૃષ્ટિનું સુખદ સખ્ય સાર્થક થાય. ધરતી વર્ષાને પ્રલોભન પણ કેવું દે છે એ જુઓ. સુદિવ્યા ગૃહિણી વર્ષા આવશે તો ધરતી એને રંગબિરંગી ફૂલો ભરેલ નીલવર્ણી ચુંદડી પહેરાવશે અને છોગામાં માથે મેઘધનુષનો મ્હોડ પણ ધરશે. ધરતી મેઘબાળને ગોદમાં ધારણ કરશે ત્યારે માતૃત્વની વિશાળ જ્યોત ઝગશે એ વાત સાથે કવિ સમાપન કરે છે.
(અવનિ=ધરતી; કોટિક=કરોડ; સાર્થ=સફળ; મ્હોડ=મોડ, લગ્ન સમયે કન્યાના માથે પહેરાવાતો મોડીઓ)


Nirja parekh said,
July 29, 2026 @ 12:13 PM
અદ્ભુત આહ્વાન ..
Vrajesh Mistri said,
July 29, 2026 @ 8:46 PM
વાહ… વર્ષાદેવી
DILIP DHOLAKIYA SHYAM said,
August 1, 2026 @ 1:06 PM
વાહ.. વાહ.. એક અનોખા ભાવ વિશ્વમાં લઈ જતી રચના..🌹🌹