ન્યાલ ન્યાલ – રાજેન્દ્ર શાહ
આજની મોસમનો લઈ લે આજ ફાલ,
ફૂલ હરસિઙ્ગારનું, જાણે ન કાલ.
વ્હાલથી જ્યારે નિમન્ત્રણ છે દીધું,
પૂર્ણ સૌહાર્દે હૃદયનો રઙ્ગ આલ.
ફાગનો ઠેકો મૃદંગે છે ધર્યો,
કીરને ટહુકે ચરણની ચાલ ચાલ.
તેજ ત્હારી આંખમાં પ્રગટી રહે,
તે જ ફેલાતું હવામાં થઈ ગુલાલ.
જે મળ્યો અવસર ન એળે જાય તે,
જ્યાં થયાં તન્મય પછી તો ન્યાલ ન્યાલ.
– રાજેન્દ્ર શાહ
કવિવર રાજેન્દ્ર શાહે છણ્ણું ગઝલોનો આખો સંગ્રહ પણ આપ્યો છે. એમાંની આ એક ગઝલ. કેટલીક મર્યાદાઓને બાદ કરીએ તો સમર્થ કવિએ ગઝલોની ગલીઓમાં પણ અધિકૃતતાપૂર્વક વિહાર કરી દેખાડ્યો છે. હરસિઙ્ગારનું ફૂલ એટલે પારિજાતનું ફૂલ. અન્ય ફૂલોની સરખામણીમાં પારિજાતનાં ફૂલોનું આયુષ્ય કેવળ એક રાત પૂરતું જ હોય છે. શેરિયત જન્માવવામાં આ તથ્યને કવિએ કેવું કામે લીધું છે! નાની નાની બે જ પંક્તિઓમાં કવિએ આજનું મહિમાગાન કર્યું છે. બીજા શેરમાં માનવસહજ લાગણીના સૌહાર્દપૂર્ણ સ્વીકારની અને ત્રીજા શેરમાં ફાગના રાગનો મહિમા કરાયો છે. ચોથા શેરને ત્રીજાના extension તરીકે પણ માણી શકાય અને વિચ્છૃંખલ શેર તરીકે પણ. હવામાં જે ગુલાલનો નશો, રંગ છવાયા છે એ બીજું કંઈ નહીં, તારી આંખોમાં પ્રગટતું તેજ જ છે. તારી સંબોધન પ્રિયા અને પરમેશ્વર બંનેને લાગુ પાડી શકાય. ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી –ઉભયની સહોપસ્થિતિ. અંતિમ શેર મત્લાનું જ પ્રતિબિંબ જાણે. હાથ આવેલ અવસર એળે ન જવા દઈએ; પરસ્પરમાં તન્મય થઈ જઈએ એટલે જિંદગી ન્યાલ ન્યાલ! ચોથા શેરના ઉલા મિસરાની શરૂઆત ‘તેજ’થી થાય છે અને સાનીની શરૂઆત ‘તે જ’થી. ભાવક સતર્ક ન હોય તો સતર્ક કવિની કારીગરીથી નિષ્પન્ન થતું યમક અલંકારનું સૌંદર્ય ચૂકી જવાય. આવો જ યમક અલંકાર એની ઉપરના શેરમાં ‘ચાલ (ગતિ, છટા) ચાલ’ (ચાલવું, આગળ વધવું)માં પણ પ્રયોજાયો છે. ‘ચાલ ચાલ’ની દ્વિરુક્તિ સ્વયં ચરણોની લયબદ્ધ ગતિનો અનુભવ પણ કરાવે છે.


Nirja parekh said,
September 3, 2026 @ 12:18 PM
તેજ – તે જ નો સુંદર પ્રયોગ…આખરી શેરમાં પણ ન્યાલ શબ્દનું પુનરાવર્તન સુંદર ભાવ જન્માવે છે… ખૂબ સુંદર રચના..
ધીરૂ said,
September 3, 2026 @ 12:19 PM
⚫. ગઝલનું ‘શરીર’ છે, પણ ‘આત્મા’ ગાયબ છે
ટેકનિકલ માળખું (બાહ્ય રૂપ): કવિએ છંદ, રદીફ (‘આલ / કાલ / ગુલાલ / ન્યાલ’) અને કાફિયાનું વિધાન બરાબર જાળવ્યું છે. ગઝલનું આ બહારી માળખું કે ફોર્મેટ (શરીર) એકદમ સાચું લાગે છે.
⚫ગઝલિયતનો અભાવ (આત્મા): ગઝલનો મૂળ આત્મા સંવેદનાની ઘનતા, ગૂઢતા, ચમત્કૃતિ, વિરોધાભાસ કે અંતરના ઊંડા ભાવ (પ્રેમ, વિરહ, ફિલસૂફી કે મંથન) માં હોય છે. અહીં કવિએ કેવળ પ્રકૃતિના ચિત્રો અને ઉત્સવનો એક સપાટ ચિતાર આપ્યો છે, જેમાં ગઝલને યોગ્ય ઊંડાણ કે ચોટ (Impact) ઊભી થતી નથી.
,⚫ પ્રકૃતિ વર્ણન માટે ‘ગીત’ કે ‘અછાંદસ’ કાવ્ય સ્વરૂપ વધુ યોગ્ય હોય છે..
આ રચનામાં હરસિંગારનું ફૂલ, ફાગણનો ઠેકો, મૃદંગ, હોળી-ગુલાલ, ટહુકો જેવાં લયબદ્ધ અને ભાવવાહી ઉપાદાનો છે. ગીતના સ્વરૂપમાં પ્રકૃતિના સૌંદર્યને, એના ઢાળ અને લય સાથે વહાવી શકાય છે.
જ્યારે ગઝલના અલગ-અલગ મુક્તક (શેર) જેવા કડક ચોકઠામાં પ્રકૃતિવર્ણન ઘણીવાર કૃત્રિમ કે બાંધછોડવાળું બની જાય છે.
અછાંદસ : પ્રકૃતિના મુક્ત ભાવોને કોઈ ચોક્કસ રદીફ-કાફિયાના બંધનમાં બાંધ્યા વગર રજૂ કરવા માટે અછાંદસ કે છાંદસ કાવ્ય વધારે ન્યાય આપી શકે છે.
⚫પ્રથમ શેર (મત્લા): “આજની મોસમનો લઈ લે આજ ફાલ…” – ક્ષણભંગુરતા અને ક્ષણને જીવી લેવાનો વિચાર સારો છે, પણ અભિવ્યક્તિ તદ્દન સાધારણ છે.
બીજો ને ત્રીજો શેર: “હૃદયનો રઙ્ગ આલ…”, “કીરને ટહુકે ચરણની ચાલ ચાલ…” – અહીં શબ્દોની ગોઠવણી કેવળ પ્રાસ (રદીફ-કાફિયા) બેસાડવા માટે થઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. ‘ચાલ ચાલ’ જેવી પુનરાવર્તિત શબ્દસમૂહની ગોઠવણી કાવ્યાત્મક ચમત્કૃતિ રચવાને બદલે સપાટ લાગે છે.
ચોથો શેર: “તેજ ત્હારી આંખમાં પ્રગટી રહે / તે જ ફેલાતું હવામાં થઈ ગુલાલ.” – આ શેરમાં થોડી કલ્પનાશક્તિ દેખાય છે, પણ ગઝલના ચોટદાર શેર તરીકે એનો ઉઠાવ ઓછો છે.
દરેક કવિએ ગઝલ લખવી, ગઝલ સંગ્રહ પૂરો કરવો એ ફરજિયાત નથી..
Harihar Shukla said,
September 3, 2026 @ 5:37 PM
ગઝલ કરતાં આપનો અને શ્રી ધીરુભાઈનો આસ્વાદ બહેતર.
Harihar Shukla said,
September 3, 2026 @ 5:40 PM
મારી કિશોરાવસ્થામાં કવિ રાજેન્દ્ર શાહ મારા પ્રિય કવિ અને ર.વ.દેસાઈ મારા પ્રિય નવલકથાકાર.
Kishor Ahya said,
September 3, 2026 @ 6:45 PM
ગઝલનો સૂર આધ્યાત્મિક છે એ અર્થમાં જોઈએ તો પહેલા શેરમાં કવિ આજે જે તક મળી છે તેનો ઉપયોગ કરી લેવા જણાવે છે.તે પછીનો શેર આધ્યાત્મિક યાત્રામાં જોડાવા પ્રેમભર્યું ,ભાવભર્યું આમંત્રણ છે જેનો હદય પૂર્વક સ્વીકારેલ કરેલ છે. વસંતઋતુમાં પ્રકૃતિ સમગ્રતાથી ખીલી ઊઠે છે ફાગણ માસ, ઢોલ ,મૂર્દંગ અને કોયલના ટહુકે ચાલ્યા કરવાનું! આંખોંમાં તેજ, તે જ જાણેકે હવામાં ભળી ગયેલો ગુલાલ! ( વસંતઋતુ આધ્યાત્મિક યાત્રામાં ખૂબ સહયોગી
બનેંછે ) છેલ્લો શેર બહુ સરસ છે, કવિ કહે છે.
“જે મળ્યો અવસર ન એળે જાય તે,
જ્યાં થયાં તન્મય પછી તો ન્યાલ ન્યાલ.”
એકવખત ઇશ્વર સાથે તન્મયતા બની જાય, ઝીંદગી ન્યાલ ન્યાલ થઈ જાય! કવિ કહે છે, માનવદેહ અવસર છે. મળ્ય(જન્મોજન્મના ફેરા પછી માનવ દેહ મળે છે) કવિ જીવનને ઇશ્વર સાથે જોડી જીવનના આ અવસરને સફળ કરવા માટે શીખ આપતા કહે છે,(જો જો) “અવસર એળે ન જાય”
કવિશ્રી રાજેન્દ્ર શાહ રચિત ‘ન્યાલ ન્યાલ ‘ સરસ ગઝલ છે. શેર છૂટા છે, થોડા ગહન છે અને વિષય પણ મજાનો હોવાથી ગઝલ પાઠકને ગમે તેવી થઈ છે. શ્રી વિવેકભાઈએ આધ્યાત્મિક ભાવવાળી સરસ ગઝલ પસંદ કરી, સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
September 3, 2026 @ 7:20 PM
‘કીરને ટહુકે’ આ સ્વાદનો અર્થ ફાગણ ના અનુસંધાને કોયલ મૂક્યો છે ટહુકા કોયલના હોય. પણ આ શબ્દનો ખરો અર્થ પોપટ છે.
****