જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૯ : દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!

Comments (4)

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

Comments (17)

પોયણીએ……. – રાજેન્દ્ર શાહ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o

તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o

-રાજેન્દ્ર શાહ

ક્લાસિકલ રચના…..

Comments

પ્રવાસી-રાજેન્દ્ર શાહ

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

– રાજેન્દ્ર શાહ

[ અલક્ષિત = દેખાઈ  ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]

 

આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.

Comments (2)

શાંત કોલાહલ – રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

– રાજેન્દ્ર શાહ

[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]

આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..

 

Comments (4)

પીળી છે પાંદડી – રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

 

મધમીઠાં શબ્દો મઢ્યું મનોરમ ગીત……આવા સુંદર ગરબાઓ કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે નવરાત્રિની ભીડ-ભાડમાં !

Comments (8)

ફગાવીને બોજ – રાજેન્દ્ર શાહ

શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.

જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.

ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

– રાજેન્દ્ર શાહ

વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….

Comments (12)

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહના ગીતોમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર આ ગીતને કવિના મુખે સાંભળો. આ ઝલક સર્જક અને સાહિત્ય દસ્તાવેજી ફિલ્મશ્રેણીમાંની રાજેન્દ્ર શાહ પરની ફિલ્મ ‘નિરુદ્દેશે’માંથી લીધી છે. (નિર્દેશન: પરેશ નાયક, છબીકલા: રાવજી સોંદરવા, પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ )

 

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Comments (4)

રાજેન્દ્ર શાહનું અવસાન: ગુજરાતી કવિતાના એક સૂર્યનો અસ્ત

અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત સોહે સુકોમલ ધાત્રી

નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે
હરખી હરખી રહી કશું મનોમન
ચંચલ ધૃતિમય ચમકે લોચન
અહો સુંદર…

અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો સુંદર…

-રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ

સ્વર : ભૂપિન્દર

[audio:http://dhavalshah.com/audio/sundar.mp3]

‘આપણા દુ:ખનું કેટલું જોર?’ એવું ગાનાર કવિ રાજેન્દ્ર શાહનું સત્તાણું વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે. કવિનો જન્મ 1913માં કપડવંજમાં. એમના ગીતો અને સોનેટો આજે ય લોકોની જીભે રમે છે. એમણે થોડી ગઝલો પણ લખેલી. એમની કાવ્યસમૃદ્ધિ વીસ જેટલા સંગ્રહોમાં વિસ્તરાયેલી છે. એમને સૌદર્ય અને પ્રેમને બહુ બુલંદ અવાજે ગાયો છે. એમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો.

કવિને ખરી શ્રદ્ધાંજલી એમની કવિતાને યાદ કરીને જ આપી શકાય. આજે મારું બહુ ગમતું ગીત અહીં મૂકું છું. ગીતમાં શરદની એક રાતનું વર્ણન માત્ર છે. પણ ગીતના શબ્દો અને સંગીતનો જાદૂ બન્ને ભેગા મળીને જે માહોલ રચે છે એ સ્વયં એક નશા સમાન છે. પહેલા આંખ બંધ કરીને ગીત સાંભળો અને એ પછી જ વાંચજો.

(વસન=વસ્ત્ર, ધાત્રી=પૃથ્વી, સમીરણ=પવન, ધૃતિ=સ્થિરતા,દૃઢતા, અવગુંઠન=ઘૂંઘટ)

Comments (22)

યાદગાર ગીતો :૦૯: નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે.  પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (8)

વિશ્વ-કવિતા:૦૯: ગીત ગોવિંદ- (સંસ્કૃત) જયદેવ, અનુ.: રાજેન્દ્ર શાહ

ગુર્જરી રાગ-એક્તાલી તાલ,ગીત-૧૧)

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ,
ન કર, નિતમ્બિનિ, ગમનવિલંબન અનુસર તે હૃદયેશ.
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી.
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. ૧

વેણુ મહીં સ્વરને ઇંગિત તવ ગાય મનોરમ નામ,
રજ પવને જે વહે, લહે તે તવ પદની અભિરામ. ૨

પર્ણ ખરે કે પાંખ ફફડતાં તને આવતી ધારી,
શયન રચે, ને આતુર નયન રહે તવ પંથ નિહાળી. ૩

અરિ સમ કેલિ-સુચંચલ નેપુર મુખર અધીર ત્યજીને,
ચલ, સખી, અંધ તિમિરમય કુંજે નીલ નિચોલ સજીને. ૪

સઘન મેઘમાં બકમાલા સમ સોહે હરિ-ઉર હાર,
શ્યામ સંગ તું ગૌર વીજ શી રમ રતિએ સમુદાર. ૫

કટિ કાંચી પરહરતાં જઘન વસન સરકે એ રીતે,
કિસલય શયને કંજનયન રસિકેશ્વર રીઝવ પ્રીતે. ૬

હરિ અભિમાની, ને રજની આ જાય વહી, અવ શાણી,
સત્વર પૂર મનોરથ પ્રિયના; કહ્યું કર ઉમંગ આણી. ૭

પ્રમુદિત હૃદય અતીવ સદય રમણીય પુનિત વરણીય,
હરિચરણે વંદત જયદેવ ભણિત પદ આ કમનીય. ૮

-જયદેવ (સંસ્કૃત)
અનુ. રાજેન્દ્ર શાહ

૧. કવિ જયદેવના સુપ્રસિદ્ધ ‘ગીતગોવિંદમ્’નું આ ગીત પ્રણય અને સૌંદર્યનું અદભુત સાયુજ્ય સર્જે છે. સાંવરિયા પ્રિયતમને મળવા કામદેવને લોભાવે એવો મનોહર વેશ ધારી રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ હૃદયેચ્છાને અનુસરીને વાર ન લગાડવા કહે છે કારણ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ એને આલિંગનબદ્ધ કરવા એની પ્રતીક્ષા કરી રહ્યા છે.

૨. એક તરફ પિયતમની વાંસળીના સૂરમાંથી તારા નામનો સંકેત તારી તરફ સરે છે તો બીજી તરફ તારા પગરવમાંથી વ્યક્ત થતા આનંદની ધૂળ લઈ પવન ક્હાન તરફ વહે છે.

૩. ખરતાં પાંદડાના મર્મરમાં કે પક્ષીની પાંખનો આછા ફફડાટમાં પણ તારો પગરવ સાંભળતા વિરહાતુર કૃષ્ણ શૈયા રચીને તારો જ રસ્તો નિહાળે છે. ઈંતજારની કેવી પરાકાષ્ઠા કે જ્યાં ઈશ્વર પણ બાકાત નથી રહેતા ! આ જ તો છે પ્રણયની તાકાત.

૪. ક્રીડા કરવા માટે ચંચળ અને વચાળ બની ગયેલા -તારા આગમનની અગાઉથી જ જાણ કરી દેતા- દુશ્મન સમા ઝાંઝરનો ત્યાગ કર અને રાત્રિની કાલિમાથી અંધ સમા બની ગયેલા આ વનકુંજમાં આકાશી શીલનો ઘુંઘટ સજીને તું ચાલ.

૫. ઘેરાયેલા મેઘમાં જેમ બગલાની માળા તેમ હરિના ઉરે હાર શોભી રહ્યો છે એજ રીતે શ્યામ કૃષ્ણના સંગમાં ગૌર વીજળી સમી તું ઉદાર થઈને રતિક્રીડામાં રમમાણ થઈ જા.

૬. કમરે ઘૂઘરિયાળો કંદોરો પહેરતી વેળાએ જાંઘ પરનું વસ્ત્ર સરકી જાય એવી ચેષ્ટા વડે કૂંપળોની શૈય્યા પર સૂતેલા કમળનયની રસિકેશ્વરને તું પ્રેમથી રીઝાવ.

૭. હરિ તો અભિમાની છે. એ પોતાના ઈંતજારને, પોતાના પ્રણયને કે પોતાની તડપને સામે ચાલીને વ્યક્ત નહીં જ કરે. એવી પ્રતીક્ષામાં રહેશે તો આ રાત વહી જશે. માટે ડાહી થઈને મારી વાત માન અને આનંદપૂર્વક સત્વરે પ્રિયના મનોરથ પૂર્ણ કર.

૮. આ કમનીય પદ કહીને કવિ જયદેવ જેનું હૃદય આનંદપ્રચુર છે અને અત્યંત દયામય છે એવા પરમ રમણીય પ્રભુને વંદન કરે છે.

Comments (7)

મુક્તક – રાજેન્દ્ર શાહ

ઘરને ત્યજી જનારને
.           મળતી વિશ્વ તણી વિશાળતા.

-રાજેન્દ્ર શાહ

મુક્તક એટલે મોતી. મોતી એટલે અતાગ દરિયાના તળિયે પોઢેલી એક છીપની પાંપણનું સમણું. ક્યારેક એક મોતીમાં એક આખો સમંદર ભર્યો પડ્યો હોય છે. એક જ લીટીના આ મુક્તકનો વિચાર વિસ્તાર કરવો હોય તો?

Comments (5)

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. આ ગીત સાથે નિરંજન ભગતનું ગીત ફરવા આવ્યો છું અને ઉમાશંકરનું ભોમિયા વિના તરત જ યાદ આવે.

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (1)

શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.

કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.

Comments (4)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Comments

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Comments (5)

આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

Comments (1)