આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

17 Comments »

  1. Kaushik nimavat said,

    October 2, 2020 @ 3:31 AM

    વાહ..વાહ… શરતો બહુ અઘરી ને કાવ્યાત્મક છે.

  2. Deval said,

    October 2, 2020 @ 3:46 AM

    જો સરળ anuvadr ના લખ્યો હોત તો સમજાત નહિ …..ધન્યવાદ આટલી ઉમદા રચના લાવવા માટે …..

  3. ગૌરાંગ ઠાકર said,

    October 2, 2020 @ 3:50 AM

    અરે ક્યા બાત વિવેકભાઈ…મજા પડી ગઈ. ગીત તો સારું જ છે પણ તમે જે સુંદર રીતે આસ્વાદ કરાવ્યો એ બહુ મજાનો છે.

  4. Shah Raxa said,

    October 2, 2020 @ 3:55 AM

    વાહ. કાવ્ય અઘરું પણ ઉમદા છે તમારા આસ્વાદ થકી સરળ થઈ ગયું..

  5. દીપલ ઉપાધ્યાય said,

    October 2, 2020 @ 4:01 AM

    અહા મજાનું ગીત…

  6. સુનીલ શાહ said,

    October 2, 2020 @ 4:07 AM

    મજાના ગીતનો ઉત્તમ આસ્વાદ

  7. Aasifkhan said,

    October 2, 2020 @ 4:45 AM

    वाह सुंदर गीत नो मजानो आस्वाद वाह

  8. Sandip Pujara said,

    October 2, 2020 @ 4:47 AM

    ખુબ સરસ છે ગીત -મજા આવી ગઈ –

  9. Pravin Shah said,

    October 2, 2020 @ 5:31 AM

    ઉમદા કાવ્યનો ઉમદા આસ્વાદ..

  10. Shabnam khoja said,

    October 2, 2020 @ 5:38 AM

    Are wah.. Khub saras geet ane etlo j majedaar aaswad..wah

  11. Bhupendra bachkaniwala said,

    October 2, 2020 @ 6:08 AM

    વિવેકભાઈ ખુબ સરસ કવિતા પણ આટલી અઘરી શરતો !

  12. Anjana bhavsar said,

    October 2, 2020 @ 8:30 AM

    સુંદર ગીત..સરસ આસ્વાદ વિવેકભાઈ

  13. Nehal Vaidya said,

    October 2, 2020 @ 8:49 AM

    વાહ, બહુ જ સરસ. મઝા આવી ગઈ.

  14. pragnajuvyas said,

    October 2, 2020 @ 8:53 AM

    વાહ
    સુંદર ગીતનો સ રસ આસ્વાદ ડૉ વિવેક દ્વારા

  15. Uma Parmar said,

    October 2, 2020 @ 8:58 AM

    ગીત અને આસ્વાદ, બંને સરસ…

  16. Pravin Shah said,

    October 2, 2020 @ 8:59 AM

    આ બધી શરતોને પૂરી કરનારો કોઈ પાક્યો છે ખરો ? ? ?

  17. Poonam said,

    October 2, 2020 @ 9:27 AM

    ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
    ચડવો મારે એક અવિચલ મેરુ… sundar geet ne aasawad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment