સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

પ્રેરણાપુંજ : ૦૯ : દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!

4 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    December 14, 2023 @ 12:35 PM

    હળવી શૈલીમાં ખૂબ જુસ્સાભેર કાવ્ય..
    ઉમદા

  2. Susham Pol said,

    December 14, 2023 @ 2:09 PM

    વિવેકભાઈ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અભ્યાસ કાળ વખતની ઘણાબધા કવિઓની અન્ય કવિતાઓ, ‘ગ્રામ્યમાતા’ ‘જૂનુ ઘર ખાલી કરતા’ ‘અતિજ્ઞાન’ ‘બાનો ફોટોગ્રાફ’ ‘આંધળી માનો કાગળ’ ‘હાલરડું'( શિવાજીનું )જેવી જ કવિ રાજેન્દ્ર શાહની આ સરળ અને હળવી શૈલીની ઉત્કૃષ્ટ કવિતા’ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?’ વાંચતા જ બીજી અનેક કવિતાઓ પણ સિનેમાનાં દ્ર્શ્યની જેમ સ્મૃતિપટ ઉપરથી પસાર થઈ ગઈ! શબ્દો પણ આપણો શ્ર્વાસ થઈને આપણા જીવનને કેવું સરસ રીતે ટકાવી રાખે છે!
    કવિને સલામ🙏🙏💐

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    December 15, 2023 @ 11:24 AM

    Waah…👌👌

  4. Poonam said,

    December 15, 2023 @ 12:09 PM

    આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
    આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
    – રાજેન્દ્ર શાહ – Waah ! Aaswad Saras sir ji

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment