(સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય) – પૂર્વી દેસાઈ
સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય
હૃદયમાં પહાડ જેવડો ખાલીપો
ખાલીપામાં પડઘાતું એક નામ
નામનો ટેકો લઈ બેઠેલી હું
મારામાં વરસાદ થઈ ઘેરાતો તું
તારામાં….
સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય!
– પૂર્વી દેસાઈ
સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય – માણસના હૃદયનું કદ લગભગ એની મુઠ્ઠી જેટલું હોય છે એ વૈજ્ઞાનિક તથ્યના સહારે વાતની શરૂઆત થઈ છે, પણ વચ્ચે ‘એક’ શબ્દ મૂકીને કવયિત્રીએ આ વાત દરેકની નહીં, પણ કવિતામાં દર્શાવાયું છે એ સ્તરનો પ્રેમ કરી શકતી હોય એવી વ્યક્તિ પૂરતી જ છે એમ કહીને કવિતાનો દાયરો સીમિત કરી દીધો છે. મુઠ્ઠીભર હૃદયમાં કવયિત્રી પહાડ જેવડો ખાલીપો જીરવી રહ્યાં છે. મુઠ્ઠી અને પહાડ વચ્ચેનો વિરોધાભાસ ખાલીપાને ભાવસભર બનાવે છે. ખાલીપો ભલે ડુંગર જેવડો વિશાળ છે, પણ છે તો ખાલીપો જ ને! અને ખાલી જગ્યામાંથી પડઘો તો ઊઠે જ ને! કવયિત્રીના હૃદયના ખાલીપામાં એના મનના માણીગરનું નામ પડઘાય છે, જેના ટેકે એ અસ્તિત્ત્વ ટેકવીને બેઠાં છે. જે પ્રિયજન પાસે નથી, અથવા ત્યાગી ગયો છે એ વરસાદ થઈને ઘેરાયો છે, પણ વરસવાને બદલે તરસાવે છે. નિષ્ઠુર પ્રેમીની છાતીમાં પણ સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય છે એમ કહીને કવયિત્રીએ તો કલમ કોરાણે મૂકી દીધી છે, પણ ખરી કવિતા તો અહીંથી જ આરંભાય છે. હૃદય તો બંને પાસે છે, પણ સ્ત્રી જે પ્રેમભાવ લઈને ઝૂરી રહી છે, એનાથી પુરુષ સાવ જ વિરક્ત છે. એકનું હૃદય લાગણીસભર હૈયું છે, બીજાનું હૃદય સ્નાયુનો ટુકડો!


ડૉ. કોષા મંકોડી said,
July 15, 2026 @ 6:18 PM
હૃદયસ્પર્શી રચના અને આસ્વાદ
Kishor Ahya said,
July 15, 2026 @ 11:49 PM
કહેતા કહેતા પાનાઓ ભરાય તેવી હૃદયસ્પર્શી વાત કવિયત્રીએ અહીં અછાંદસની પાંચ પંક્તિમાં બહુજ સુંદર રીતે વણી દીધી છે. પ્રથમ પંક્તિમાં જે મુઠી શબ્દ છે અને છેલ્લી પંક્તિમાં જે મુઠી શબ્દ છે, શબ્દ તો એકજ છે પણ ભાવમાં પહાડ જેવો ફરક છે અને અછાંદસની આજ તો ખૂબી છે! નાઈકા કોઈના પ્રેમમાં પડી છે , જ્યારે નાઇકાને ખાલીપો ઘેરી વળે છે ત્યારે પ્રેમીનું નામ સ્મરણમાં આવે છે અને નાઇકા તેના પ્રિયતમની સમૃતિઓનો જાણે વરસાદ ઘેરાયો હોય એમ મનમાં ઘેરો ઘાલે છે, પરંતુ અફસોસ! પ્રેમીનું હદય નાઇકાના પ્રેમ ને ઓળખવા અસમર્થ છે!
તારામાં….
સાવ મુઠ્ઠી જેવડું એક હૃદય!
અહીં મુઠી જેવડું એક હૃદય એટલે પ્રેમની સમજ જ ન હોય તેવો , કઠોર કે ટૂંકા મન વાળો , લાગણી વિનાનો, પથ્થર જેવો એવા ઘણા શબ્દો મુઠી જેવડા હૃદય માટે મૂકી શકાય.
અછાંદસની મજા તો એ છે કે શબ્દમાંથી શબ્દ નીકળે છે ,આવુજ કઈક …
અમે ચાંદો સૂરજ રમતા’તા
રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં….
પ્રેમનું શું છે? હદય ક્યારેક પત્થરને પણ પ્રેમ કરે બેસે! આ જ તો પ્રેમની પીડા છે!
ખુબજ સરસ ,વાસ્તવિક જીવનને સ્પર્શ કરતું અછાંદસ આપવા બદલ કવિયત્રીને ધન્યવાદ. વાહ! શ્રી વિવેકભાઈએ હર વખતની જેમ ખૂબ સરસ કાવ્ય પસંદગી કરી છે અને સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹