અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે
– મનોજ ખંડેરિયા

વ્યાજે વરસાદ… – રવીન્દ્ર પારેખ

મારું એટલું છે તને જરા કે’વું,
તારો વરસાદ ભલે વ્યાજ ઉપર આપે, પણ કૈં પણ ઉધાર નથી લેવું…
મારું એટલું છે તને જરા કે’વું…

થોડો વરસાદ મને ભેટમાં તું આપે તો મેલું આકાશ જરા માંજું,
બદલામાં જોઈએ તો તારી બે આંખોમાં ચકચકતું મેઘધનુ આંજું,
મેઘધનુ અંજાતાં પહેલું આંસુ જ થશે રંગીન લખોટી હોય એવું,
મારું એટલું છે તને જરા કે’વું…

વ્યાજનું તો સમજ્યા, પણ મુદ્દલનો મારાથી ચૂકવાતો એક્કે ના રૂપિયો,
એક વાર આંસુ મેં વ્યાજ ઉપર લીધું તો વ્યાજ થયું આખો એક દરિયો,
દરિયો તો જેમતેમ ચૂકવ્યો મેં તોય હજી બાકી છે મૂળ મારું દેવું,
મારું એટલું છે તને જરા કે’વું…

– રવીન્દ્ર પારેખ

આભેથી વરસાદ વરસતો હોય અને કવિ કવિતા ન કરે એ કેમ બને! પણ આ મેઘરાજા એક વસમી, સોરી, એકવીસમી સદીનો છે. એ વરસાદ તો આપવા તૈયાર છે, પણ વ્યાજે. પણ કવિ વ્યાજે વરસાદ લઈ શકે એમ નથી કેમકે એકવાર એક આંસુ વ્યાજ પર લીધું હતું એના વ્યાજમાં આખો દરિયો ચૂકવવાનો થયો હતો. દરિયાનું વ્યાજ તો જેમતેમ કરીને ચૂકવ્યું પણ આંસુનું મુદ્દલ કવિ હજી સુધી ચૂકવી શક્યા નથી. તો નવી લૉન કઈ રીતે લઈ શકાય? હા, વરસાદ ભેટમાં મળે તો કવિ સ્વીકારવા તૈયાર છે અને બદલામાં વાદળની આંખોમાં મેઘધનુષ આંજી આપવા પણ તૈયાર છે… હવે મેઘો શું જવાબ આપે છે એની રાહ જોઈએ…

8 Comments »

  1. Vrajesh Mistri said,

    July 22, 2026 @ 11:39 AM

    અચ્છા હે..

  2. Bharat pathak said,

    July 22, 2026 @ 12:25 PM

    Nice narration

  3. Girish Sharma said,

    July 22, 2026 @ 12:52 PM

    વાહ વાહ

  4. Priti Mehta said,

    July 22, 2026 @ 1:11 PM

    વાહ ખૂબ સરસ, આંસુની લખોટી…

  5. હરીશ દાસાણી.મુંબઈ said,

    July 22, 2026 @ 1:30 PM

    મજાનું મીઠડું ગીત

  6. Bhagirath Pandya said,

    July 22, 2026 @ 8:05 PM

    વ્યાજે વરસાદ. કવિ સ્વાભિમાની યાચક છે. કવિને વરસાદ માટે હવે બીજીવાર લોન મળે એમ નથી. કારણ અગાઉની લોનનું મૂળ બાકી બોલે છે. વ્યાજેય નહીં. કવિને છેવટે વરસાદની ભેટ ખપી શકે એમ છે. જોઈએ…જબરી લેવડદેવડ! જબરો સોદો! શરતો લાગુ! આ મનોભાવની અદ્ભૂત અભિવ્યક્તિ! સિમ્પલી વાહ, કવિ !

  7. ramesh maru said,

    July 23, 2026 @ 3:02 PM

    વાહ 👌🏻👌🏻

  8. Dr Sejal Bhvesh Desai said,

    July 31, 2026 @ 12:18 PM

    સુંદર વરસાદી ગીત ….વ્યાજે વરસાદ..સુંદર કલ્પન 👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment