સંતુષ્ટ? – પ્રજારામ રાવળ
સંતુષ્ટ છું, જગતથી; સહુ આજુબાજુના
સંબંધીઓ થકી, સગાંથી અને સખાથી;
વૃક્ષોથી, વેલીથકી, પુષ્પથકી, ફળોથી;
આકાશ, વાયુ, અગનિ, જલથી, ધરાથી;
ઠંડીથી, ગ્રીષ્મથકી, ને વરસાદ-ધારથી,
સર્વે પ્રસંગથકી, જે બનતા અહીં, તહીં;
હું જાઉં છું જહીં, નદી સમ ત્યાં રહું વહી:
જોકે, કદીક બનતું, નહિ જે શકું સહી!
રે કિન્તુ, તુષ્ટ ન કદી મુજથી; ન તુષ્ટ હું:
રહે બાળતી સતત આગ દિને, નિશાએ:
સર્વે સુખો-તળ રહે ધગતું જ દુઃખ!
આસ્વાદતાં સકલ સૃષ્ટિ, ન જાય ભૂખ!
તું આવી આગ, પણ આવી ઘણી અધૂરી;
રે આવ, આવ; મુજ જાત જલાવ પૂરી!
– પ્રજારામ રાવળ
મનુષ્ય જાતની ખરી વિડંબનાનું સૉનેટ. પહેલી આઠ પંક્તિઓમાં કવિ સ્વયંની સંતુષ્ટિની આલબેલ પોકારે છે. લાં….બીલચ્ચ યાદીની મદદથી તેઓ પોતાનો સંતોષ એ રીતે પ્રતિપાદિત કરે છે, જાણે સંસારના સૌથી સંતોષી વ્યક્તિ ન હોય! સગાવહાલાંઓ, મિત્રો, સૃષ્ટિના નાનાવિધ ઘટકતત્વો, ઋતુઓ અને જીવનમાં ઘટતા પસંગો-બધાથી કવિને પૂરેપૂરો સંતોષ છે. પણ અષ્ટક પછીના ષટકમાં સૉનેટને અભિપ્રેત પલટો (volta) આવે છે, જેમાં કવિ નિખાલસપણે એકરાર કરે છે કે ક્યારેક એવું પણ બને છે જે પોતે સહી શકતા નથી. આસપાસની તમામ ઘટા-વ્યક્તિ-સૃષ્ટિથી જે માણસ સંત જેવી સંતૃપ્તિ અનુભવે છે, એ સ્વયંથી તુષ્ટ નથી. એક આગ કવિને રાતદિવસ બાળતી રહે છે અને તમામ સુખની તળે ધગધગતું રહેતું દુઃખ કવિને પ્રજ્વાળ્યા કરે છે. બધું આસ્વાદવા છતાં અંદરની ભૂખ શમતી નથી. અંતે દેહ ચિતા પર ઢળ્યો છે અને અગ્નિ દેવાઈ ચૂક્યો છે ત્યારે કવિ આગને આહ્વાન આપે છે કે આખું જીવન અડધી અધૂરી આગમાં બળતા રહેવામાં જ વીત્યું છે. માટે હે ચિતાગ્નિ! આવ અને મને પૂરેપૂરો સળગાવ… અંતટાણે તો અધૂરું બળતા રહેવાથી છૂટી શકાય!
*************************
છંદમાં રસ હોય એવા મિત્રો માટે:
કવિએ એ અહીં છંદોનું મિશ્રણ કર્યું છે.
(૧) વસંતમૃદંગ અથવા મૃદંગ અથવા અહિમણિ છંદ: (૧૫ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાલગા
પંક્તિક્રમાંક: ૧, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦,
(૨) વસંતતિલકા છંદ: (૧૪ અક્ષર) ગાગાલગા લલલગા લલગા લગાગા
પંક્તિક્રમાંક: ૨, ૩, ૪. ૧૧, ૧૨, ૧૩, ૧૪


Kishor Ahya said,
July 17, 2026 @ 9:24 PM
કવિ શ્રી પ્રજારામ રાવળનું આ સોનેટ
જીવનની વાસ્તવિકતા દર્શાવે છે. જીવનમાં દરેક બાબતોમાં કવિ કહે છે તેવો સંતોષ હોય તો પણ માનવીને એવું લાગતું હોય છે કે કશુંક ખૂટે છે! જેને લીધે આત્મ સંતોષ મળી શકતો નથી અને ખૂબી છે કે શું ખૂટે છે એની મનુષ્યને ખબર જ નથી!
સોનેટની શરૂઆતમાં કવિ જીવનમાં જે જે સંતોષ પામ્યા એની વાત કરે છે ત્યાર પછી સોનેટ વણાક લે છે, કવિ કહે છે મને બધી વાતે સંતોષ છે પણ
“રે કિન્તુ, તુષ્ટ ન કદી મુજથી; ન તુષ્ટ હું:
રહે બાળતી સતત આગ દિને, નિશાએ”
હું મારાથી તુષ્ટ નથી અને કોઈ આગ દિવસ રાત મને બાળી રહી છે! કવિ કહે છે “સર્વે સુખો-તળ રહે ધગતું જ દુઃખ!
આસ્વાદતાં સકલ સૃષ્ટિ, ન જાય ભૂખ!”
સુખના તળિયે ધગધગતું દુઃખ જ છે!
આ સૃષ્ટિને માણતાં માણતા પણ સુખની ભૂખ ભાંગતી નથી! સૉનેટમાં છેલ્લે આખરી પ્રહાર કરતા કવિ આગને કહે છે,અધૂરી આગ આવી, હવે મને સંપૂર્ણ બાળી નાખ!
ખુબજ સમજવા જેવું સોનેટ છે અને કોઈ કહેતું હોય કે નહી પણ પૃથ્વી પરના મનુષ્યોની આજ લગભગ હકીકત છે!
આમ થવાનું કારણ શું? જો કે કવિએ અહીં સૉનેટમાં આવી કોઈ પંક્તિ લખી નથી ,લાગે છે એ ભાવક પર છોડ્યું છે.
આ બહુ ગહન વિષય છે અને ખૂબ લાંબુ વ્યાખ્યાન પણ આ માટે ટૂંકું પડે પણ પ્રાસંગિક છે તો એકાદ બે વાત કરીએ…
સૌથી પહેલા કવિ જે સંતોષની વાત કરે છે, સંતોષ એટલે ? કેટલાક વિદ્વાનો માને છે કે સંતોષ એ દ્રાક્ષ ખાટી જેવી વાત છે!પોતાનું ધાર્યું ન થતું હોય તો પણ માનવી મન માનવી લે છે, આવું થાય ત્યારે માનવી પોતાથી તુષ્ટ થતો નથી.
બીજી વાત, ભગવાન બુદ્ધે જે ચાર આર્ય સત્ય કહ્યા છે.
જીવન દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ મુક્તિ શકય છે ,દુઃખ મુક્તિ માટે માર્ગ છે.
ભગવાન બુદ્ધ કહે છે, જીવનનો સ્વભાવ જ દુઃખ છે! કવિને કોઈ દુઃખ ન હોવા છતાં , બધા પ્રકારે સંતોષ હોવા છતાં કવિ અંદરથી કોઈ વાતે બળી રહ્યા છે!કારણ જીવન દુઃખ છે! મન પોતાને કર્તા ગણે છે, જ્યાં કર્તા ત્યાં અહમ, અને જ્યાં અહમ ત્યાં મનના આવેગો અને એ છે પીડા!
બીજી વાત ,જ્યારે જીવનમાં સંતોષ હોય, સુખ હોય ત્યારે પણ મનુષ્યને ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે, કેમકે જીવન ગતિશીલ છે, અહીં ક્યારે શું બને તે કશું કહી શકાતું નથી, આને કારણે મનુષ્ય ભયભીત રહે છે અને અંદરની ચિંતાને કારણે તે પોતાને કોષે છે ,જેથી તૃપ્તિ પામી શકતો નથી.
કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જીવ જ્યાં સુધી પોતાને ઓળખી ન લે, એટલે કે વ્યક્તિ સ્વયં ને જાણી ન લે ત્યાં સુધી એને સંતુષ્ટિ મળતી નથી. આત્મ અનુભવ એજ એક માત્ર સ્વયં સુખા: જ્યાં નિજનું સ્મરણ કરવું પડતું નથી પણ ત્યાં સ્વયં ના અનુભવ વિનાની એક ક્ષણ પણ હોતી નથી. આ જન્મ આગ બાળશે પણ નવા ફેરામાં? ફરી એનું એ જ. મોક્ષ સિવાય સંતોષ કે તૃપ્તિ ક્યારેય થતી નથી અને મોક્ષ એટલે અ મની દશા. મનનું મુત્યુ એજ સાચું મુત્યુ છે.
કવિ શ્રી પ્રજારામ રાવળનું આ ખૂબ સરસ સોનેટ છે.શ્રી વિવેકભાઈ એ બહુ સરસ સોનેટ પસંદ કર્યું છે. ખૂબ ગમ્યું વિવેકભાઈ.
🌹🌹🌹🌹
વિવેક said,
July 20, 2026 @ 11:39 AM
આભાર શ્રી કિશોર આહ્યાજી… સરસ આસ્વાદ… દર વખતની જેમ ફરી મજા આવી