સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રજારામ રાવળ

પ્રજારામ રાવળ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વસંત આ વરણાગી! – પ્રજારામ રાવળ

શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !

એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!

એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!

– પ્રજારામ રાવળ

શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.

Comments (3)

અગનિ લાગિયો – પ્રજારામ રાવળ

રૂના રે ઢગલામાં અગનિ લાગિયો!
.            ઝાકળ ઝળતી રે ઝાળ,
.            ભરતો વાયુ વેગે ફાળ,
.            ઊડે સિંહની કેશવાળ;
રૂના રે ઢગલામાં અગનિ દાગિયો!

.            ઝાળે જાગે રોમેરોમ,
.            નવલા હોમાયે રે હોમ,
.            આ તે સૂરજ કે સોમ?
હૈયાનો હુતાશન ઝબકી જાગિયો !

.            કેસૂડાંની રેલે ક્યારી,
.            ઊડે ફાગણની પિચકારી,
.            પુલકી ઊઠે કાયા સારી!
ગુલાલે રંગાયે હો, વરણાગિયો!

.            આવ્યા ભલેરા હુતાશ
.            મારી સપનાંની આશ!
.            પ્રીતે લેજો ગ્રાસેગ્રાસ !
ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!

– પ્રજારામ રાવળ

નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!

Comments (4)

ડાળે રે ડાળે – પ્રજારામ રાવળ

ડાળે રે ડાળે ફૂલડાં ફોરિયાં હો જી.

.        આવી આવી હો વસંત,
.        હેતે ક્ષિતિજો હસંત,
.        વગડો રંગે કો રસંત !
ખેતરુંને શેઢે મલક્યા થોરિયા હો જી. 0ડાળે રે.

.        કિચૂડ કોસનું સંગીત,
.        ભરપૂર પાણી કેરી પ્રીત,
.        દવનાં દાઝ્યાં થાતાં શીત!
તાજાં રે પાણીડે છલક્યા ધોરિયા હો જી. 0ડાળે રે.

.        આંબા ઝૂલે કૂણાં પાને,
.        કોયલ સાંભળે કૈં શાને?
.        કડવી લીમડીઓના કાને
વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. 0ડાળે રે.

– પ્રજારામ રાવળ

વસંતને આવવાને હજી તો ઘણી વાર છે, પણ એક મજાની રચના હાથ લાગી તો થયું મનની મોજ સહુ સાથે વહેંચવી જોઈએ. વસંત આવતાં જ ડાળેડાળ ફૂલોથી છલકાઈ ઊઠે છે. ક્ષિતિજો હાસ્ય વેરે છે અને ઉજ્જડ વગડો નવા રંગો ધારે છે. થોર સુદ્ધાં મલકતાં નજરે ચડે છે. ફૂલો ઝાડને તો કોસનું સંગીત સૃષ્ટિને ભરી દે છે. ગરમીથી દાઝેલા હૃદય પાણી પીને શીતળતા અનુભવે છે. તાજા પાણીથી નીકો (ધોરિયા) છલકાઈ રહી છે. કોયલની મનમાનીને કારણે કડવી લીમડીઓના કાને પણ મીઠો રસ રેલાય છે. સાવ સરળ ભાષામાં કેવું મજાનું પ્રકૃતિચિત્ર કવિએ દોરી આપ્યું છે!

Comments (4)

બુગદામાંથી પસાર થતાં – પ્રજારામ રાવળ

સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.

તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !

કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !

આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?

– પ્રજારામ રાવળ

શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.

ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.

આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.

ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.

આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?

Comments (2)

ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી

અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી

જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી

આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી

– પ્રજારામ રાવળ

‘વાયુ’ વાવાઝોડું આવી ચડ્યું એના થોડાક દિવસ પહેલાં માત્ર ઝાલાવાડ જ નહીં, દેશ આખાની કદાચ આ જ હાલત હતી…

ઉનાળાના દિવસોમાં ઝાલાવાડની ધરતીની માઠી દુર્દશાનું કવિએ જે વર્ણન કર્યું છે એ કોઈ સમયગાળાનું મહોતાજ નથી. કાંટાળા અને છાંયા રહિત રુક્ષ વૃક્ષસભર આ ધરતી પણ પાણી અધિકતર તો મૃગજળનાં જ જોવાં મળે છે. પણ જે રીતે આ શુષ્ક ધરતી કોઈ સંન્યાસિનીની જેમ કવિનું હૃદય ભરી દે છે એ જ આ ધરતીની સાર્થકતા સૂચવે છે…

Comments

તરસ – પ્રજારામ રાવળ

તરસ્યું હૈયા – હરણું !
દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !

તરસ કેરા તીરથી ઘાયલ,
પલ વળે નહીં ચેન;
રાતથી લાંબો દિન થતો, ને
દિનથી લાંબી રેન !
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું !

ધીકતી ધરા ચાર બાજુએ
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા,
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !

-પ્રજારામ રાવળ

તરસ આમ તો અનુભવવાની ચીજ છે પણ કવિતાની કમાલ જ એ છે કે એ અમૂર્તને પણ મૂર્ત કરી શકે છે. આ કવિતા વાંચીએ ત્યારે તરસ આપણને ‘નજરે’ ચડે છે. પહેલા અંતરામાં તૃષા અને પ્રતીક્ષાની વેદનાની લગોલગ રામના બાણથી ઘાયલ સ્વર્ણમૃગ પણ તાદૃશ થાય છે. મૃગજળને કિનારા હોતા નથી એ વાત પણ કવિ કેવી કમાલથી રજૂ કરે છે ! બીજી વાત, આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું…

Comments (6)

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

Comments (10)