એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સ્વાગત-સપ્તાહ :૦૨: ચટ્ટાનો ખુશ છે – લતા હિરાણી

ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.

– લતા હિરાણી

લયસ્તરો પર કવયિત્રીના નવ્ય અછાંદસ સંગ્રહ ‘સાવ કોરો કાગળ’નું સહૃદય સ્વાગત…

વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-

Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up

સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.

16 Comments »

  1. વ્રજેશ મિસ્ત્રી said,

    April 15, 2025 @ 10:35 AM

    સરસ

  2. DILIPKUMAR CHAVDA said,

    April 15, 2025 @ 10:37 AM

    સરસ
    વાસ્તવિક રજૂઆત

  3. લતા હિરાણી said,

    April 15, 2025 @ 11:25 AM

    ગમ્યું વિવેકભાઈ…

    આનંદ આનંદ

  4. Rita trivedi said,

    April 15, 2025 @ 12:34 PM

    પત્થર નું વિશ્વ પહાડ ને વનો ને વળોટી માનવ વિશ્વ સુધી પહોંચી ગયું છે તે વાત કવયિત્રી ખૂબ સરસ રીતે સૂચવે છે.અભિનંદન.

  5. Kishor Ahya said,

    April 15, 2025 @ 1:33 PM

    સૂ શ્રી લતા હિરાણીની “સાવ કોરો કાગળ” અછાંદસ માં કવિયત્રી એ પ્રકૃતિ સાથે થતી છેડછાડ વ્રક્ષો કાપવા અંગે વિરોધ દર્શાવવા ,’ખુશ છે પાણા પથ્થર’ શબ્દ પ્રયોગ યોજી આ મહત્વની બાબત પર સૌ નું ધ્યાન ખેચ્યું છે. છેલ્લી.પંક્તિમાં તો ગજબ નો કટાક્ષ છે ‘આ માણસ ના પેટેય પાકી રહ્યાં છે પત્થરો’

    શ્રી વિવેકભાઈ એ પૂર્ણ વિરામ માં ઉદાસીનતા બાબતે ધ્યાન દોર્યું છે અલ્પવિરામ , ઉદગાર ચિન્હ, અવતરણ ચિન્હ કે પ્રશ્નાર્થ ચિન્હ કે જોડણી ની બાબતો પ્રત્યે આજકાલ ખાસી નીરસતા પ્રવતે છે એ વાત બિલકુલ સાચી છે પરંતુ મુખ્ય વાત સાર ની છે. જો આવા ચિન્હો ને કારણે અર્થ બદલાતો ન હોય તો કવિતાનું પોતાનું એક વ્યાકરણ છે , જેમાં બીજુ વધુ ઉમેરવું કવિતા માટે એટલા માટે જરૂરી નથી લાગતું કે કવિતા પોતાનામાં એક પૂર્ણતા છે, જ્યાં ઔપચારિકતા માત્ર બની જાય તેવા કોઈ શબ્દો કે ચિન્હો, કવિઓ માટે નગણ્ય ન ગણી શકાય ?
    🌹🌹

  6. વિવેક said,

    April 15, 2025 @ 2:16 PM

    @ Shree KIshor Ahya:

    તુંડે તુંડે મતિ ભિન્નાઃ ।

    આપના અંગત અભિપ્રાય અને માન્યતાનું સ્વાગત…

  7. બાબુ સંગાડા said,

    April 15, 2025 @ 3:50 PM

    ખૂબ સરસ સ્વાગત અને અભિનંદન

  8. કિશોર બારોટ said,

    April 15, 2025 @ 4:59 PM

    આનંદ, આવકાર, અભિનંદન. 🌹

  9. Kishor Ahya said,

    April 15, 2025 @ 5:15 PM

    @વિવેકભાઈ, .

    પ્રત્યુતર અંગે આભાર વિવેકભાઈ,

    આપની વાત સાથે હું સહમત છું. હમણાં જ મેં બાબુલાલ ચાવડા ની ગઝલ માણસ છીએ નો પ્રતિસાદ આપ્યો, જેમાં તેમની એક ગઝલ ‘આંધણ છીએ જાણે’ નો ઉલ્લેખ કર્યો છે તેમાંનો મક્તા

    ‘કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,’

    અહીં અલ્પવિરામ ચિન્હ વચ્ચે મૂક્યું નથી તેથી અર્થ શોધવામાં મુશ્કેલી પડી .આ રીતે બે અલ્પવિરામ ચિન્હ જરૂરી હતા.

    કરે છે સામનો, હોવું અમારું, રોજ પ્રશ્નોનો,
    અલ્પવિરામ કે જરૂરી ચિન્હો અર્થ ને ચોકકસ કરવા અથવા અર્થ બદલાય ન જાય તે માટે જ્યાં જરૂર હોય ત્યાં જરૂર મૂકવા જોઈએ.

    આવા ચિન્હ જ્યાં ફકત વ્યાકરણ ની ઔપચારિકતા પૂરી કરવા મૂકાતા હોય તો તેને નગણ્ય ગણી શકાય એટલું જ કહેવાનું થતું હતું.

    આપે ચિન્હો અંગે દોર્યું તે ધ્યાને લેવું જરૂરી છે.

  10. વિવેક said,

    April 15, 2025 @ 5:47 PM

    @ કિશોરભાઈ આહ્યા:

    આભાર સહ સ્વીકાર… સાહિત્યકાર ભાષાનો પ્રહરી પણ છે અને સંવર્ધક પણ… એટલે કોઈપણ બહાનાં હેઠળ ભાષાશુદ્ધિને જોખમમાં મૂકવી અનુચિત જ ગણાય… જેમાં તમામ પ્રકારના વિરામચિહ્નોને અવગણવામાં આવ્યા હોય એવી કવિતાનો દાખલો મેં ઉપર આપ્યો જ છે, પણ એ સહેતુક કરાયું છે અને એ કવિતાને ઉપકારક નીવડ્યું છે. લતાબહેને પૂર્ણવિરામ સિવાય અન્ય તમામ વિરામચિહ્નોનું કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે એ વાત મને ન ગમી. બે ડઝનથી વધુ પુસ્તકો જેમણે આપ્યાં હોય એમનું અનુકરણ કરનાર કેટલા બધા હશે! આવા સંજોગોમાં સર્જકનું પરમ કર્તવ્ય એ બને કે લોકો સુધી ખોટો સંદેશ ન પહોંચે.

  11. , જયેશ ભટ્ટ said,

    April 15, 2025 @ 6:42 PM

    સરસ અછાંદસ

  12. Dilip ghaswala said,

    April 16, 2025 @ 11:05 AM

    અદ્ભુત વાત…ખૂબ ગમ્યું આ કાવ્ય વાંચી ને

  13. Lata Hirani said,

    April 19, 2025 @ 6:33 PM

    આભારી છું
    દિલીપભાઇ, જયેશભાઈ, કિશોરભાઈ, કિશોરભાઇ બારોટ, બાબુભાઈ, દિલીપકુમારભાઈ, વ્રજેશભાઈ અને રીટાબહેન….

  14. Lata Hirani said,

    April 21, 2025 @ 3:55 PM

    @ કિશોરભાઈ આહ્યા : વિરામ ચિન્હો બાબત

    અલ્પવિરામ, આશ્ચર્યચિન્હ, પ્રશ્નાર્થચિન્હ વગેરે એના શાબ્દિક અર્થ પ્રમાણે, ગદ્ય હોય કે પદ્ય, એ આવી જ જાય. એ મૂકવાના જ હોય. રહી વાત પૂર્ણવિરામની. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂરું થયું એ બતાવવા માટે હોય છે. જે ગદ્યમાં જરૂરી must. નહીંતર બે વાક્યો સાથે થઈ જાય અને અર્થ સમજવામાં તકલીફ પડે.

    પદ્યમાં – જ્યાં પૂર્ણવિરામનો અર્થ બેસતો હોય ત્યાં પંક્તિ પૂરી જ થઈ જાય. એ પછીની વાત નવી પંક્તિમાં જ હોય. આથી અર્થ સમજવામાં કોઈ ફરક ન પડે કે મુશ્કેલી પણ ન પડે. આથી કવિતામાં પૂર્ણવિરામ ના મૂકીએ તો ચાલે.

    આ મારો મત છે. આપની વાત લખવા માટે આભાર.

  15. Kishor Ahya said,

    April 21, 2025 @ 8:34 PM

    @ સુ.શ્રી લતાજી,

    મને આનંદ છે કે તમે આ વિષયને આગળ વધારવાનું યોગ્ય માન્યું.
    ખરેખર તે દિવસે મે આકસ્મિક રીતે વિરામ ચિન્હો વિશે પૂછ્યું હતું. પરંતુ બાદમાં તરત જ મે આ સ્વીકારી લીધેલ હતું.

    આજે તમારી ટિપ્પણી વાંચીને મને આનંદ થયો અને મારા વિચારો સ્પષ્ટ થયા છે. તમે જે કહ્યું તે બિલકુલ સાચું છે, જ્યારે પંક્તિઓ પૂર્ણ થાય અને અર્થ સ્પષ્ટ થાય અને બીજી લાઇનમાં કંઈક નવું હોય તો પૂર્ણવિરામની જરૂરિયાતને અવગણી શકાય. પરંતુ આ હંમેશા યોગ્ય નથી કારણ કે ઘણા પ્રકારના પદ્ય સાહિત્ય છે અને તે જરૂરી નથી કે પ્રથમ પંક્તિ પોતે જ પૂર્ણ હોય. પ્રથમ લાઇન બીજી લાઇન સુધી વિસ્તરી શકે છે, પછી ત્યાં પૂર્ણવિરામનો ઉપયોગ કરવો યોગ્ય નથી હોતો, બાકી, જ્યારે અર્થ પૂરો થાય છે, ત્યારે ભાષાકીય શુદ્ધતા પ્રમાણે પંક્તિ પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ જરૂરી હોય છે. એક ગઝલમાં જ્યારે બે મિસરા પૂરા થાય છે, ત્યારે પૂર્ણવિરામ જરૂરી છે. આ મારો અભિપ્રાય છે.

    આજે મેં ગૂગલ પર જાણવાનો પ્રયાસ કર્યો કે જાણકાર લોકો આ વિષય વિશે શું વિચારે છે, તે આ રીતે છે.
    ,
    ના, કવિતામાં દરેક પંક્તિના અંતે પૂર્ણવિરામ મૂકવો જરૂરી નથી. પૂર્ણવિરામનો ઉપયોગ ફક્ત વાક્યના અંતે થાય છે, જ્યારે વાક્ય પૂર્ણ થાય છે. કવિતામાં, વાક્ય એક લીટીથી બીજી લીટી સુધી પણ વિસ્તરી શકે છે, એક પ્રક્રિયાને એન્જેમ્બમેન્ટ કહેવાય છે. 
    વિગતવાર:
    પૂર્ણવિરામનો ઉપયોગ:
    પૂર્ણવિરામ (.) વાક્યના અંતે વપરાય છે જ્યારે તે વાક્યમાં કોઈ વિચાર અથવા લાગણી સંપૂર્ણપણે વ્યક્ત થાય છે. 

    કવિતામાં વાક્યો માત્ર એક લીટી સુધી સીમિત નથી હોતા. એક વાક્ય બહુવિધ રેખાઓ સુધી ફેલાયેલું હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે એન્જેમ્બમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 

    એન્જામ્બમેન્ટનો અર્થ એ છે કે વાક્ય અથવા વાક્ય વાક્યના અંતે પૂર્ણ થતું નથી, પરંતુ આગળની લાઇન પર ચાલુ રહે છે ત્યાં
    લાઇનનો અંત થતો નથી તેથી અહીંયા પૂર્ણ વિરામ વાક્ય પૂર્ણ થાય પછી જ લગાવવામાં આવે છે.

    થોડી સ્પષ્ટતા આપવા માટે સમય આપવા બદલ હું તમારો આભારી છું. અને હા, તમારી ગઝલ “હે સન્નાટાજી” વિશે શું કહું,?સરસ ગઝલ છે!

  16. Lata Hirani said,

    April 22, 2025 @ 12:48 AM

    આભાર કિશોરભાઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment