હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

(માણસ છીએ) – બાબુલાલ ચાવડા ‘આતુર’

આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.

ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.

કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.

ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!

એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.

17 Comments »

  1. Dipak Peshwani said,

    April 11, 2025 @ 11:32 AM

    બહુ મજાની ગઝલ

  2. Jayesh Bhatt said,

    April 11, 2025 @ 11:35 AM

    મસ્ત મજાની ગઝલ… વાહ

  3. Jayesh Bhatt said,

    April 11, 2025 @ 11:36 AM

    મસ્ત ગઝલ… વાહ

  4. લલિત ત્રિવેદી said,

    April 11, 2025 @ 11:54 AM

    કવિની આ ગઝલ જેવી જ એમની ગઝલો સંઘેડાઉતાર, આપે લખ્યું એમ ખુશ્બૂદાર, રદિફ કાફિયાનો ઉપયુક્ત નિભાવ જોવા મળે છે… રાજીપો

  5. લલિત ત્રિવેદી said,

    April 11, 2025 @ 11:59 AM

    કવિ શ્રીની આ ગઝલ એમની અન્ય ગઝલો જેવી, આપે લખ્યું એમ ખુશ્બૂદાર હોય છે. વિવિધ રદિફ કાફિયા અને ઉપયુક્ત નિભાવ એમની સહજ ખાસિયત છે. કવિ શ્રીને અભિનંદન અને રાજીપો

  6. Vrajesh said,

    April 11, 2025 @ 12:14 PM

    વાહ.. ગમતા કવિ… આશિખાનખ… સરસ શબ્દ

  7. Varij Luhar said,

    April 11, 2025 @ 12:14 PM

    વાહ.. સરસ ગઝલ

  8. Dr Margi Doshi said,

    April 11, 2025 @ 12:41 PM

    વાહ બહુ જ સરસ ગઝલ સરળ ભાષામાં 👌👌👌

  9. Mayank Oza said,

    April 11, 2025 @ 1:51 PM

    વાહ . . બહુજ સરસ ગઝલ . . ⚘️⚘️⚘️

  10. આર.બી.રાઠોડ said,

    April 11, 2025 @ 1:56 PM

    વાહ

  11. કમલેશ જેઠવા said,

    April 11, 2025 @ 2:08 PM

    વાહ…

  12. Shailesh Gadhavi said,

    April 11, 2025 @ 9:15 PM

    વાહહ

  13. DILIPKUMAR CHAVDA said,

    April 11, 2025 @ 11:52 PM

    ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
    કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!

    વાહ કવિ વાહ
    સરસ ગઝલ

  14. Dhruti Modi said,

    April 12, 2025 @ 3:24 AM

    માણસ થવું એ પણ એક કસોટી છે.
    બાબુભાઈએ લખ્યું છેકે,
    ‘એટલે કે માણસ બાદના માણસ છીએ’
    વાહ, સરસ !
    એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે
    માત્ર મૂંગા માહ્યલાની દાદના માણસ છીએ !

    સરસ રચના !

  15. બાબુલાલ ચાવડા 'આતુર' said,

    April 12, 2025 @ 12:20 PM

    પ્રિય વિવેકભાઈ તેમજ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું.

  16. Vinod Manek 'Chatak' said,

    April 13, 2025 @ 2:21 PM

    બાબુલાલ ચાવડાની બધી ગઝલ માણવા જેવી હોય છે..

  17. Kishor Ahya said,

    April 15, 2025 @ 4:10 PM

    શ્રી વિનોદ માણેક પ્રતિસાદ માં જણાવે છે કે શ્રી બાબુલાલ ચાવડા ની દરેક ગઝલ માણવા જેવી હોય છે. આ કૃતિની વાત કરીએ તો ‘સાવ માણસ બાદ ના માણસ છીએ મતલા નો આ શેર કવિ કહેવા માંગે છે તે બધુજ કહી જાય છે.
    બાબુલાલ ચાવડા ની એક અન્ય ગઝલ ‘આંધણ છીએ જાણે ‘ જેનો આસ્વાદ કવિ શ્રી મિલિન્દ ગઢવી એ લખ્યો છે જાણે ગઝલ નહિ હદયમાં થી નીકળતી ચીસ છે !
    ****
    ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
    ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

    નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
    અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

    કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
    હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

    અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
    જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

    કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
    ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

    – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

    દુનિયા પ્રશ્નોથી ભરેલી છે કોઈને વ્યક્તિગત, કોઈ વાર સામૂહિક, કોઈવાર સમગ્ર દેશ કે વિશ્વ સામેલ હોય તેવા મુશ્કેલ પ્રશ્નો ઉભા થતા હોય છે.

    આ વિશ્વમાં કેટલાક એવા પ્રશ્નો છે જેનો એક માત્ર ઉપાય વિશ્વનો અંત છે ઘણીવાર લોકો ને આવું કહેતા પણ સાંભળીએ છીએ હા, વિશ્વના અંત સાથે પ્રશ્નના અંત તો થઈ જશે પણ સાથે આપણો અંત પણ આવી જશે!

    કવિ શ્રી બાબુલાલ ચાવડા ની ગઝલ સંવેદનાથી ભરપુર છે .ગઝલ પર વિવેકભાઈ એ બહુ સુંદર આસ્વાદ આપ્યો છે.
    🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment