ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લતા હિરાણી

લતા હિરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નરસૈયાનું નામ જ લેતાં – લતા હિરાણી

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

– લતા હિરાણી

રાજસ્થાનમાં એક મીરાં થઈ ગઈ ને ગુજરાતમાં એક નરસિંહ. આ બે ભક્ત વિના તો કૃષ્ણનેય કદાચ અધૂરું લાગે. કૃષ્ણપ્રેમની કવિતા તો ઘણા લખી ગયા, ઘણા લખશે પણ લતા હિરાણી જરા અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની રચના લઈ આવ્યા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેનો શ્વાસ પૂર્ણને પામી જાય છે એ अहं ब्रह्मास्मि છે, એ જ આદિ, એ જ મધ્ય ને એ જ અંત પણ. કણ-કણમાં પછી એ જ. અને એકવાર જે મોરના પિચ્છધર પાસે પ્રેમરસ પી લે એનું ઉર છલકાઈને સમસ્તિ સાથે એકરસ થઈ જાય છે. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગીતરચના…

*

કેવી મોટી ભૂલ! અમેરિકાથી મિત્ર દેવિકાબેન ધ્રુવે ધ્યાન ન દોર્યું હોત તો આખું કોળું જ શાકમાં ચાલ્યું ગયું હતું. ગીતરચનાનો પરિચય ભૂલથી ગઝલ તરીકે અપાઈ ગયો. વાચકમિત્રોની અને લતાબેનની ક્ષમા સાથે ફેરફાર કરી લઉં છું…

Comments (16)

(-) – લતા હિરાણી

પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….

– લતા હિરાણી

ખરતાં પાનની લીલી વાતો…

Comments (8)

મૌન – લતા હિરાણી

હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..

– લતા હિરાણી

વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !

Comments (12)

ઝાકળબુંદ : _૧૦ : ‍મારો સૂર – લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

– લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે !! લતાબેનના કાવ્યો અલગ જ ભાત પાડે છે. એમની રચનાઓનો બ્લોગ છે ‘સેતુ’.

Comments (10)