ગઝલ – ભેજની – હર્ષદ ચંદારાણા
આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે
દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે
સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?
હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે
જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે
– હર્ષદ ચંદારાણા
આમ જુઓ તો મત્લાગઝલ અને આમ જુઓ તો પ્રયોગાત્મક રચના… આખી ગઝલમાં ઉલા મિસરા-પ્રથમ પંક્તિમાં કવિએ અલગ-અલગ ચુસ્ત કાફિયાઓ વાપર્યા છે, પણ સાની મિસરા- બીજી પંક્તિમાં એક જ કાફિયો ‘ભેજ’ પ્રયોજ્યો છે. મત્લામાં પણ આ જ પ્રમાણે ‘ભેજ’ કાફિયો સાની મિસરામાં વાપરી શકાયો હોત, પણ કોઈક કારણોસર કવિ એમ કરવાથી દૂર રહ્યા છે. પણ સરવાળે પાંચેપાંચ શેરમાં ‘ભેજ’ કાફિયો વાપરીને કવિએ કાફિયાનો સારો એવો કસ કાઢ્યો છે અને આપણને વારંવાર મમળાવવી ગમે એવી સુંદર મજાની ગઝલ આપી છે.
Shailesh Rameshbhai Gadhavi said,
April 10, 2025 @ 12:33 PM
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે
વાહ.
શ્રી વિવેક ટેલરનું વિધાન યોગ્ય છે. સાની મિસરામાં ભેજ હોત તો વધુ મજા આવત.
Varij Luhar said,
April 10, 2025 @ 12:36 PM
સરસ પ્રયોગાત્મક રચના
Lalit Trivedi said,
April 10, 2025 @ 12:43 PM
મિત્ર હર્ષદ ચંદારાણા ને વંદન
Vrajesh said,
April 10, 2025 @ 12:44 PM
Adbhut
ઉમેશ જોષી said,
April 10, 2025 @ 1:10 PM
પ્રયોગાત્મક ગઝલ પ્રસ્તુત કરી માર્ગદર્શન માટે ઉપયોગી છે..
દિવંગત કવિ હર્ષદભાઈ ચંદારાણા અમારા અમરેલીના, માયાળું અને માર્ગદર્શક હતાં.
હર્ષદ દવે said,
April 10, 2025 @ 2:14 PM
સરસ ગઝલ.
Kishor Ahya said,
April 10, 2025 @ 5:22 PM
કવિ હવે આપણી વચ્ચે રહ્યા નથી પણ તેઓની 21 ગઝલ આ બ્લોગ પર મોજૂદ છે .તેઓએ પ્રેમિકાની ગલીની મહત્તા દર્શાવતી ગઝલ લખેલ,તેમાં પ્રેમિકા ની ગલીને જાતરા તરીકે દર્શાવી છે!
જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર છે થાકવું.
તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
જેમ અવકાશમાં હોય છે ચાલવું.
તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે,
લોહ-ચુંબક સુધી લોહ માફક જવું.
તારી શેરી જ છે કેન્દ્ર બ્રહ્માંડનું,
સૂર્યના તેજનું સાવ ઝાંખું થવું.
એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.
-હર્ષદ ચંદારાણા.
Jayesh Bhatt said,
April 10, 2025 @ 11:32 PM
સરસ ગઝલ
Dhruti modi said,
April 11, 2025 @ 3:34 AM
કાવ્ય કંઇક નવીન પ્રકારનું છે પણ સરળ અને સુંદર છે!
PRANAY VAGHELA said,
April 11, 2025 @ 12:26 PM
ખૂબ સરસ પ્રયોગાત્મક ગઝલ.
મને લાગે છે કે મત્લાના સાનીમાં પણ ભેજ કાફિયા લીધો હોત તો એ રદીફનો ભાગ બની જાત. એટલે સર્જકે ખૂબ વિચારીને આ સંરચના/ગોઠવણ કરી છે.
ડૉ પ્રણય વાઘેલા
વિવેક said,
April 11, 2025 @ 5:34 PM
@ ડૉ. પ્રણય વાઘેલા:
અરે વાહ! આ તો મને સૂઝ્યું જ નહીં… સહી પકડે હૈં…
વાહ વાહ વાહ
ખૂબ ખૂબ આભાર
શૈલેષ પંડયા નિશેષ said,
April 14, 2025 @ 12:47 PM
વાહ… સર… પ્રયોગાત્મક મત્લા ગઝલ…. મારું અમરેલી.. ભાઈ ભાઈ… ઈ પાણી જ અલગ છે… સંત, શૂરાને સાહિત્કારોની ભૂમિ..
Mitaben Ranchhodsinh Rathod said,
April 15, 2025 @ 2:28 PM
વાહ સર


સુંદર આસ્વાદ કરાવ્યો.
Mitaben Ranchhodsinh Rathod said,
April 15, 2025 @ 2:32 PM
વાહ સર