હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

સ્વાગત-સપ્તાહ :૦૩: સન્નાટાજી – લતા હિરાણી

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી?
હે સન્નાટાજી!

તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી!

પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા, જો
ઝાંખી પાંખી નીંદરને ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી!

હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !

અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !

– લતા હિરાણી

લયસ્તરો પર સર્જકના ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ને સસ્નેહ વધાવીએ…

સારું ગીત ઉપાડ લેતાવેંત ભાવકને ચસોચસ બાંધી લેતું હોય છે. સુરેશ દલાલે કહ્યું હતું કે ગીત એના મુખડામાં જ શરૂ થઈ પૂરું પણ થઈ જતું હોય છે. સાચી વાત છે. કવિએ જે હૃદયોર્મિ વ્યક્ત કરવી છે, એ તો મુખબંધમાં જ રજૂ થઈ જાય. એ પછી બાકીના ગીતમાં તો એનો ચિતોવિસ્તાર જ કરવાનો રહે. આ ગીત ઉભય કસોટીઓ પર ખરું ઉતરે છે. એક તો સન્નાટાને સંબોધીને વાત કરાઈ હોવાથી ભાવક કાવ્યારંભે જ સાનંદાશ્ચર્ય અનુભવે અને બીજું, આ સંબોધનમાં સર્જકે માનવાચક ‘જી’ ઉમેરી ચેરી ઓન કેક જેવી ફ્લેવર ઉમેરી છે. સામાન્ય રીતે સન્નાટો તો સીમ અને કેડામાં રાજ કરે, અને ધગધગતો ઉનાળો હોય ત્યારે ગામમાં પણ. પણ અહીં એ કથક ફરતે આંટા મારી રહ્યો છે. એટલે કથક સન્નાટાને માનપૂર્વક પૂછે છે કે નિયત સ્થાનો પર પસંદગીનો કળશ ન ઢોળતાં આપશ્રી અમારી આજુબાજુ શીદ આંટા મારી રહ્યા છો? આવું મજાનું મુખડું કોને વશીભૂત ન કરે! મુખડાથી આગળના ગીતનો આનંદ ભાવકની ભાવનક્ષમતા ઉપર છોડી દઈ વિરમું…

5 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    April 16, 2025 @ 1:44 PM

    જોરદાર ગીત
    સન્નાટાને પણ માન પૂર્વક પ્રયોજીને આટલી મજાની વાત થાય, અદ્ભુત

  2. હર્ષદ દવે said,

    April 16, 2025 @ 10:58 PM

    વાહ … સેરસપાટા જી…સરસ ગીતકવિતા અને ચેરી ઓન કેક જેવો આસ્વાદ. બંને સર્જકોને અભિનંદન.

  3. Kishor Ahya said,

    April 17, 2025 @ 12:14 PM

    કવિયીત્રી સુ.શ્રી લતા હિરાણીનું કાવ્ય ગીત “સન્નાટાજી’ બે પ્રેમીઓ વચ્ચે પડેલી તિરાડ, તેને કારણે પ્રેમીના હદયમાં ઉત્પન્ન થતી વેદના ને વાચા આપતું વિરહ ગીત છે.

    કબિયિત્રી એ અહી સન્નાટા જેવા શબ્દ ઉપરથી સન્નાટાજી જેવો શબ્દ પ્રયોગ યોજીને તેના
    પ્રેમીને આ રૂપક થી એક પ્રેમી બીજા પ્રેમી ને આ સમયે જે કંઈ કહે, તે કહેવા જેવું બધું જ કહી દીધું છે!

    પ્રથમતો થોડો ગુસ્સો , ક્યાં જનમના વેર , ક્યાં જનમના ઘા ? પ્રેમીના ખિખિયાટા, બેસે, હાફે, શ્વાસ સાંભળે ! (આવા તિરાડ ના સમયે પ્રેમી કે પ્રેમિકા માટે ઘા જેવા બની જાય છે )( અહી કેટલો સન્નાટો હશે તેમ આડકતરી રીતે કહી પ્રેમીને રાત કેટલી મુશ્કેલીથી કાઢી, તેનું વર્ણન કર્યું છે). “પાંપણ પર થી રાત ઉતરડી ધક્કા માર્યા” અદભુત શબ્દો!

    પછીની પંક્તિમાં પ્રેમી કહે છે ,’હાથ વછૂટી જાય ‘ હાથમાંથી વસ્તુ છુટી જાય છે અને વેળ(હોશ)રહેતી નથી .ઉઘાડા અવળા પગલામાં દાવ ઉપર જીવ છે , ( કવિયત્રી એ અહી અડવાણા શબ્દ પ્રયોગ કર્યો છે અડવાણ શબ્દ નો English અર્થ Bare footed છે) અમારો તો કચ્ચર ઘાણ ને તમારે શેર સપાટા? શેર સપાટા શબ્દ અહી સુખનો પર્યાય વાચી લાગે છે. કદાચ પ્રેમી કવિ પણ હોય શકે.

    છેલ્લી પંક્તિઓ ખૂબ હદય દ્રવી છે. સઘળો અહંકાર એક ઝાટકે
    કાઢી નાખી ને તિરાડ સાંધવા માટેનો છેલ્લો પ્રયત્ન. કહે છે ‘અપરાધી છો અમે રહ્યા’ અમારી ભૂલ ચૂક થઈ હશે પણ દયા કરીને પણ એકવાર સામુ તો જુઓ ! જેથી અમારી આંખોને તૃપ્તિ થાય! અહી ‘ફાટી આંખના ઉપવાસો ભાંગીએ’ ‘આવું વેર વાળોમાં હે સન્નાટાજી !’ આવા શબ્દો થી પ્રેમીને રીઝવવા પ્રયાસ કરે છે.

    બહુજ સુંદર શબ્દો અને એમાંય હે સન્નાટાજી! શબ્દ દ્વારા એક પ્રેમી બીજા પ્રેમીને સંબોધે છે તેની જેટલી પ્રશંસા કરીએ તે ઓછી પડે! કવિયિત્રિ એ જૂના વખતમાં વપરાતા હતા તે શબ્દો નો ઉપયોગ કરી રચના ને રસિક બનાવી છે. સરસ રચના બદલ અભિનંદન.

    વિવેકભાઈ એ ખૂબ સરળ અને સરસ આસ્વાદ આપ્યો છે તેમને પણ ખૂબ અભિનંદન.

    🌹🌹

  4. મકરંદ મુસળે said,

    April 18, 2025 @ 2:48 PM

    સન્નાટાજીએ તો હૃદયના દ્વારમાં પણ પ્રવેશ કર્યો…

    લતાબેનને ખૂબ ખૂબ અભિનંદન

  5. Lata Hirani said,

    April 19, 2025 @ 6:29 PM

    આભારી છું, મકરંદભાઈ, કિશોરભાઇ, હર્ષદભાઈ, દિલીપકુમારભાઈ અને વિવેકભાઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment