શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

આબરૂ જળવાઈ ગઈ – દિલહર સંઘવી

સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ,
કયાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ!

દિલની છાની વાત દિલમાં રાખતાં ના આવડી,
આપણી પ્રીતિ જગતમાં એટલે પંકાઈ ગઈ.

કોઈને ચૂંટવા ન દીધી માળીની રખવાળીએ,
તે છતાંયે સાંજ રે ફૂલની કળી કરમાઈ ગઈ.

દિલની કૂંણી ઊર્મિઓને પીસવાનું બંધ કર,
રંગ આવી ગ્યો હવે – મેંદી હવે ઘૂંટાઈ ગઈ.

દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી, દોસ્તદારી પણ મને સમજાઈ ગઈ.

કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ.

કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં,
છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ.

આપની રહેમત ખુદા, જ્યાં ઊતરી મારા ઉપર,
સાવ મુફલિસી મહીં પણ આબરૂ જળવાઈ ગઈ.

મેં સગા હાથે જ લૂંટાવી હતી ‘દિલહર’ પછી,
શું કરું ફરિયાદ કે દિલની મતા લૂંટાઈ ગઈ!

– ‘દિલહર’ સંઘવી

લયસ્તરો પર સ્વાગત-સપ્તાહના અંતે આજે સાતમા પુસ્તકને મીઠો આવકારો દઈએ…. કવિશ્રી ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોના સંપાદન ‘ધન્ય છે તમને’માંથી એક સ-રસ મજાની ગઝલ મમળાવીએ… (સંપાદક: ભરત વિંઝુડા)

1 Comment »

  1. Kishor Ahya said,

    April 25, 2025 @ 1:25 AM

    લયસ્તરો પરના સ્વાગત સપ્તાહમા મુકેલ બધી ગઝલો ખૂબ સુંદર, અર્થસભર અને ખૂબ પ્રશંશનીય છે. સપ્તાહ ની આ છેલ્લી ગઝલ કવિશ્રી ‘દિલહર ‘ સંઘવી ની ‘ધન્ય છે તમને ‘ જેમાં કવિની ચૂંટેલી ગઝલો નો સંગ્રહ છે, જેમાંથી એક ગઝલ ‘આબરૂ જળવાય ગઈ ‘ ગઝલ મૂકી છે. ગઝલ સંગ્રહ નું સંપાદન કવિશ્રી ભરત વિંઝુડા દ્વારા થયેલ છે.

    ગઝલ નો એક એક શેર અલગ અર્થ લઇને આવ્યો છે બધા શેર સમજવા માટે સહેલા છે અને અર્થ સભર છે.ગઝલ ની પસંદગી અને સંપાદન પ્રશંસા પાત્ર છે. ખૂબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment