વસંત આ વરણાગી! – પ્રજારામ રાવળ
શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !
એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!
એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!
– પ્રજારામ રાવળ
શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.
Nilam Roy said,
March 1, 2025 @ 12:02 PM
અદભુત અને અનુપમ સૌંદર્ય આલેખન … ઘણાં લાંબા વર્ષો પછી કવિતાને માણી … ઘણાં ઘણાં અભિનંદન કવિશ્રીને

Dhruti Modi said,
March 4, 2025 @ 4:53 AM
વાહ, વસંત વરણાગી ! ખૂબ સરસ ચિત્રાંકન વસંતનું !
વસંત આવતા જ પ્રકૃતિ , પશુ, પંખી માનો રંગે રંગાય
ધરતી આખી રંગોથી રંગાઈ જાય એવી વસંત સૌને વ્હાલી !
Poonam said,
March 11, 2025 @ 12:25 PM
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!
– પ્રજારામ રાવળ –